અમદાવાદ, તા.ર૦
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એપિડેમિક ડિસિઝ એક્ટ ૧૮૯૭ અંતર્ગત અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કોવિડ-૧૯ માટે કરવામાં આવેલા આદેશનું પાલન નહીં કરવા બદલ શહેરની ૧૬ જાણીતી હોસ્પિટલોને નોટિસ પાઠવવામાં આવી છે. એએમસી તરફથી આ હોસ્પિટલોને પ૦ ટકા બેડ ફાળવવાનું કહેવામાં આવ્યું હતું. તંત્રના આદેશ છતાં આ ૧૬ હોસ્પિટલોએ કોરોનાના દર્દીઓની સારવાર માટે બેડ ન ફાળવતા નોટિસ આપીને જવાબ માંગવામાં આવ્યો છે. નોંધનીય છે કે, જે હોસ્પિટલોને નોટિસ પાઠવવામાં આવી છે, તે હોસ્પિટલોને સરકાર તરફથી સેવાકિય પ્રવૃત્તિઓ માટે જમીન દાનમાં આપવામાં આવી છે. એએમસી દ્વારા નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, આ હોસ્પિટલોને કોવિડ-૧૯ માટે જાહેર કરવામાં આવી હતી તેમજ તેમને પ૦ ટકા બેડ કોર્પોરેશન તરફથી ભલામણ કરવામાં આવે તેવા દર્દીઓની સારવાર માટે કહેવામાં આવ્યું હતું. જો કે, હોસ્પિટલોએ આદેશ માન્યો નથી, હાલ યુદ્ધ જેવી હાલત છે ત્યારે પણ આ હોસ્પિટલો એએમસીને સહકાર નથી આપી રહી આથી એએમસી તરફથી આવી હોસ્પિટલોના મેનેજમેન્ટ સામે સિવિલ અને ક્રિમિનલ લૉ પ્રમાણે પગલાં લેવા તેમજ ફરિયાદ નોંધવા માટે નોટિસ પાઠવવામાં આવે છે. આ મામલે કોંગ્રેસ પક્ષ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તંત્રના આદેશ છતાં જો ખાનગી હોસ્પિટલો ગાંઠતી નથી ત્યારે આ હોસ્પિટલોને કોના તરફથી છાવરવામાં આવી રહી છે તેની તપાસ થવી જોઈએ. જ્યારે આ મામલે સ્ટર્લિંગ સહિતની હોસ્પિટલોએ જુદો જ રાગ આલાપ્યો હતો. ત્યારે એએમસી કેવા પગલાં લેશે તે આવનાર સમય જ નક્કી કરશે.
કઈ-કઈ હોસ્પિટલને નોટિસ
આદેશનું પાલન ન કરવા બદલ એએમસી દ્વારા અમદાવાદની ૧૬ જાણીતી હોસ્પિટલોને નોટિસ પાઠવવામાં આવી છે તે આ મુજબ છે. સ્ટર્લિંગ હોસ્પિટલ, લાઈફ કેર હોસ્પિટલ, સરદાર હોસ્પિટલ, બોડીલાઈન હોસ્પિટલ, બોપલ આઈસીયુ એન્ડ ટ્રોમા કેર, શ્રેય હોસ્પિટલ, સરસ્વતી હોસ્પિટલ, સાલ હોસ્પિટલ, રાજસ્થાન હોસ્પિટલ, અસજીવીપી હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ, ગ્લોબલ હોસ્પિટલ, કર્ણાવતી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, સિંધુ હોસ્પિટલ, સ્ટાર હોસ્પિટલ અને મેડિલીંક હોસ્પિટલને નોટિસ પાઠવવામાં આવી છે.