(એજન્સી)                                                    તા.૧૨

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચના અંતિમ સપ્તાહમાં રાષ્ટ્રીય લોકડાઉન જાહેર કર્યુ ત્યારથી પૂણે સ્થિત સામાજિક સંગઠન-મુસ્લિમ મૂલનિવાસી મંચ કોવિડ-૧૯ને કારણે મૃત્યુ પામનારા તમામ ધર્મ-હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી લોકોના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાની અવિરત કામગીરી કરી રહ્યાં છે.

આ સંગઠન ખાસ કરીને કોવિડ-૧૯ના કારણે પોતાના સ્વજનો ગુમાવનાર એવા પરિવારોને રાહત આપવા અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યાં છે કે જેમની પાસે લોકડાઉનના નિંયંત્રણોને કારણે અંતિમ સંસ્કાર કરવા માટે જરુરી નાણા ઉપલબ્ધ નહોતા. એટલી હદે કે પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશને આ સંગઠનને સ્મશાન અને કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર કરવાની કાનૂની મંજૂરી પણ આપી છે. આ સંગઠનના સભ્યોએ અત્યાર સુધી છેલ્લા ત્રણ મહિનામાં ૨૪૦ મૃતકોના અગ્નિસંસ્કાર અને દફનવિધિ કરી છે. તેના પ્રમુખ અંજુમ ઇનામદારે જણાવ્યું હતું કે આ સંગઠનમાં કોઇની પણ પાસેથી કોઇ પણ જાતની અપેક્ષા રાખ્યાં વગર માનવતાના હિતમાં કામ કરે એવા જુદા જુદા વ્યવસાયમાંથી અનેક સભ્યો છે. અમોએ લિંગાયત જેવા ધાર્મિક સમૂહો ઉપરાંત ૨૪૦ જેટલા હિંદુ, ખિસ્તીઓ અને મુસ્લિમોના અંતિમ સંસ્કાર કર્યા છે. આ ઉપરાંત અમે એવા કોવિડના દર્દીઓના મૃતદેહોની દફનવિધિ કરી છે કે જેમના મૃતદેહો માટે તેમના પરિવારના સભ્યો દ્વારા દાવો કરવામાં આવ્યો ન હતો અથવા તો પરિવારના સભ્યોએ તેમને અગ્નિસંસ્કાર કરવા વિનંતી કરી હતી.

અમે અંતિમસંસ્કાર કે દફનવિધિના સમયે અંતિમવિધિ કરવા તેમજ મૃતકોના ધર્મ પ્રમાણે તેમના ધર્મગ્રંથોનું વાંચન કરીને જરુરી વિધિ અને રીતરસમ મુજબ અંતિમસંસ્સકાર થાય એવી વ્યવસ્થા કરી હતી. ઇનામદારે જણાવ્યું હતું કે પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કમિશનર શેખર ગાયકવાડે આ કાર્યમાં અમને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. વર્તમાન વ્યવસ્થા પ્રમાણે પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન અગાઉથી સંગઠનને અગ્નિસંસ્કાર કે દફનવિધિ માટે જાણ કરે છે અને તે મુજબ સંગઠન વ્યવસ્થા કરે છે.     (સૌ : ઈન્ડિયા ટુમોરો)