ગુજરાતે સ્થળાંતરિત મજૂરો માટે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા
અનાજના કવોટામાંથી ૮૮ ટકા જેટલું અનાજ મેળવ્યું પરંતુ તેમાંથી ફકત
૧ ટકા અનાજનું વિતરણ કરવામાં આવ્યું, જ્યારે બિહાર, છત્તીસગઢ, નાગાલેન્ડ અને ઓરિસ્સાએ તેમને મળેલા અનાજનું ૧૦૦ ટકા વિતરણ કર્યું

(એજન્સી) તા.૬
કોરોના વાયરસ મહામારી અને લોકડાઉન દરમ્યાન ગરીબો અનાજના એક-એક દાણા માટે વલખાં મારી રહ્યા હતા. ત્યારે સરકારી ગોઠાઉનોમાં સેંકડો ટન અનાજ સડી ગયું હતું. ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે ઓછામાં ઓછું ૧પ૭૧ ટન જેટલું અનાજ સડી ગયું હતું. આ આંકડાઓ મુજબ મે મહિનામાં ર૬ ટન, જૂનમાં ૧૪પ૩ ટન, જુલાઈમાં ૪૧ ટન અને ઓગસ્ટમાં પ૧ ટન જેટલું અનાજ સડી ગયું હતું. નોંધનીય છે કે એપ્રિલથી જુલાઈ વચ્ચે દેશમાં રપ૦ લોકો ભૂખમરાના કારણે મૃત્યુ પામ્યા હતા. એપ્રિલમાં ખાદ્ય પુરવઠો અને ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું હતું કે સરકારે અનાજના સંગ્રહ અને વિતરણ માટે વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓને અમલમાં મૂકી અનાજનું નુકસાન ઘટાડયું છે. તેમણે કહ્યું હતું કે સરકાર અનાજને બગડતું રોકવા માટે ફર્સ્ટ ઈન, ફર્સ્ટ આઉટ નીતિ પર કામ કરે છે. પાસવાને કહ્યું હતું કે વર્ષ ર૦૧૯-ર૦ દરમ્યાન સરકારે ૭પ.૧૭ મિલિયન ટન અનાજ ખરીધ્યું હતું. જેમાંથી ફકત ૧૯૩૦ ટન જેટલા જ અનાજનો બગાડ થયો છે. પરંતુ આ વર્ષે સરકાર પાસે રહેલા ૬૦ લાખ ટન ઘઉં અને ૧૧.૩ લાખ ટન ચોખા વાપરી ન શકાય તેવી હલ્કી ગુણવત્તાના હતા. આ ઉપરાંત સરકારે સ્થળાંતરિતો માટે ફાળવેલા ૮ લાખ ટન જેટલા અનાજમાંથી ૬.૩૮ લાખ ટન (૮૦ ટકા) જેટલું અનાજ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મળ્યું હતું પરંતુ મે-ઓગસ્ટ દરમ્યાન તેમાંથી ફકત ર.૬૪ લાખ ટન (૩૩ ટકા) જેટલું જ અનાજ લાભાર્થીઓને મળ્યું હતું. આ યોજના હેઠળ ગુજરાતે લગભગ ૮૮ ટકા જેટલું અનાજ મેળવ્યું હતું. અને ફકત ૧ ટકા જેટલા અનાજનું વિતરણ કર્યું હતું. જયારે બિહાર, છત્તીસગઢ, નાગાલેન્ડ અને ઓરિસ્સાએ કેન્દ્ર સરકાર પાસેથી મેળવેલા ૧૦૦ ટકા અનાજનું વિતરણ કર્યું હતું.
(સૌ. : નેશનલ હેરાલ્ડ)