(એજન્સી) નવી દિલ્હી,તા.૩૧
ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા અધિકૃત ખાનગી ટુર સંચાલકો દિલ્હી-એનસીઆરથી પોતાના વતન તરફ જનાર ગરીબ લોકો પાસેથી વાસ્તવિક ભાડાથી ત્રણથી ચાર ગણા ભાડાં વસૂલ કરી રહ્યા છે. યોગી આદિત્યનાથની સરકારે જણાવ્યું હતું કે, લોકડાઉન લાદવામાં આવ્યા બાદ જાહેર પરિવહનની ગેરહાજરીને ધ્યાનમાં રાખીને આવા લોકોને લઇ જવા માટે ૧૦૦૦ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, દિલ્હી-ગાઝિયાબાદ બોર્ડર પર, મુસાફરો પાસેથી ૩૦૦-૪૦૦ કિલોમીટરની મુસાફરી માટે સીટ દીઠ ૧૦૦૦ રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો.
દેશમાં કોવિડ-૧૯ ફાટી નીકળવાની વચ્ચે આરોગ્ય અધિકારીઓ અને સરકાર દ્વારા સૂચવવામાં આવેલા સામાજિક અંતરનાં ધારાધોરણની મજાક ઉડાવતા એક સીટ પર ૩-૪ લોકો ને બેસાડવામાં આવી રહ્યા હતા. જેથી સમસ્યા વધુ વિકટ થવાની શક્યતા છે. એટલું જ પુરતું નથી, મુસાફરોની મુસાફરીને વધુ જોખમી બનાવીને બસોની છત પર બેસાડવામાં આવ્યા હતા અને એના માટે માથાદીઠ ૫૦૦ રૂપિયા લેવાયા હતા.
યુ.પી. સરકાર દ્વારા આ ખાનગી બસ ઓપરેટરોને મુસાફરો પાસેથી ભાડુ લેવાની મંજૂરી આપવામાં આવી હતી કે નહીં, અથવા રાજ્ય સરકાર દ્વારા જ સબસિડી આપવામાં આવી હતી કે કેમ તે સ્પષ્ટ નથી. રોગચાળાને કારણે અનિવાર્ય બનેલ ૨૧ દિવસના લોકડાઉનને કારણે અનૌપચારિક ક્ષેત્રના હજારો કામદારોએ નોકરીઓ ગુમાવી હતી. જેથી ભૂખમરાથી ડરી ગયેલ દિલ્હી-એન. સી.આર.ના હજારો લોકો ઉ.પ્ર.ના વતન અને નગરોમાં પ્રવાસ કરવા મજબુર બન્યા હતા. આ લોકોને ખાતરી આપવા માટે દિલ્હી સરકારના પ્રયત્નો છતાં રાજધાનીના વિવિધ સ્થળોએ તેમના માટે ભોજન માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં સ્થળાંતર ચાલું જ રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૪ માર્ચના રોજ કોરોના વાયરસ રોગના સંક્રમણની સાંકળ તોડવા માટે ત્રણ અઠવાડિયાના દેશવ્યાપી લોકડાઉન જાહેર કર્યું હતું.