(એજન્સી) કોલકાતા, તા.૨૫
ગતવર્ષે ચીનના વુહાન શહેરમાં ફાટી નીકળેલા કોરોના વાયરસનો કહેર આજે આખા વિશ્વમાં વર્તાઈ રહ્યો છે. જીવલેણ કોરોના વાયરસ ખૂબ જ ચેપી હોવાથી દિવસેને દિવસે તેના કેસો અને તેની લપેટમાં આવનારા દર્દીઓના મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. એવામાં સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા સહિતના અન્ય ઘણા મહત્ત્વના પગલાંઓ લેવામાં આવ્યા છે.
એવામાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ શુક્રવારે સતત ચોથા દિવસે શહેરના માર્ગો પર પહોંચીને દક્ષિણ કોલકાતાના બે સ્થળોએ લોકડાઉન (તાળાબંધી)ની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને ત્યાંના રહેવાસીઓને ઘરેમાં રહેવાની વિનંતી કરી હતી. મુખ્યપ્રધાને તેમ પણ કહ્યું હતું કે, તે ખુશીની વાત છે કે, બંગાળના ૧૦૦થી વધુ લોકો કોવિડ-૧૯ને માત આપીને સ્વસ્થ થયા છે.
બેનરજી તેમની સફેદ એસયુવી કારમાં વિવિધ શેરીઓની મુલાકાતે ગયા હતા અને આ દરમિયાન તેમણે લોકોને કહ્યું હતું કે, જ્યાં સુધી કોરોના વાયરસ નામના ચેપી રોગની લડાઈ સામે આપણે વિજય પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી દરેક લોકો ઘરે જ પ્રાર્થના અને ધાર્મિકવિધિ કરે. પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત થતાં તેમણે વહેલી સવારે લોકોને તેની શુભેચ્છા પાઠવી હતી અને સૌને શાંતિ અને સાંપ્રદાયિક સંવાદિતા જાળવવા તાકીદ કરી હતી. મુખ્યપ્રધાન મમતા બેનરજીની એસયુવી કાર જાદવપુર ૮-બી બસ સ્ટેન્ડ વિસ્તાર અને રાજકુમાર અનવર શાહ રોડ પર પહોંચ્યા બાદ, તેમણે તેમની કારમાં લગાવેલા લાઉડ સ્પીકરના માધ્યમથી રહેવાસીઓને જણાવ્યું હતું કે, “આપણે કોવિડ-૧૯ સામેની લડાઈમાં વિજય પ્રાપ્ત કરીએ, ત્યાં સુધી ઘરોને મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચ બનવા દો” મુખ્યપ્રધાનની કાર આ વિસ્તારમાં પહોંચ્યા બાદ, ત્યાંના રહેવાસીઓ આ પરિચિત અવાજને સાંભળવા માટે ઘરની બારીઓ, બાલ્કનીઓ અને ધાબા પર એકઠા થયા હતા.
કોવિડ-૧૯ સામેની લડાઈમાં વિજય પ્રાપ્ત કરીએ, ત્યાં સુધી ઘરોને મંદિર, મસ્જિદ અને ગુરૂદ્વારા બનવા દો : મમતા

Recent Comments