(એજન્સી)હૈદરાબાદ, તા. ૨૧
કોરોના વાયરસની સામે લડવા માટે તેલંગાણાના મુખ્યમંત્રીએ બીજા દિવસે પણ રાજ્યમાં થઇ રહેલા કાર્યક્રમોના હોલ પર સતત નજર રાખવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે ખાસ કરીને તેમણે ટિ્‌વન સિટીમાં આવા કાર્યક્રમો સામે કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીના નિર્દેશ બાદ તરત જ હૈદરાબાદ પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને કાર્યક્રમોના હોલના સંચાલકો પર કાર્યવાહી શરૂ કરી દીધી હતી. મુખ્યમંત્રીની બેઠક બાદ હૈદરાબાદના પોલીસ કમિશનર અંજનીકુમારે ગુરૂવારે વીડિયો કોન્ફરન્સ યોજી હતી અને દરેક પોલીસ સ્ટેશનના એસએચઓને નિર્દેશ આપ્યા હતા કે, શહેરના કોઇપણ હોલ રાતે નવ વાગ્યા પછી ખૂલ્લા ના રહે તેની ખાતરી કરવા કહ્યું હતું. શહેરભરમાં લોકોના ટોળા ભેગા ના થાય તેની ખાતરી કરવા માટે ૩૧મી માર્ચ સુધી તમામ હોલમાં બુકિંગ ના થાય તેની ખાતરી કરવાની તજવીજ હાથ ધરી હતી. શુક્રવારે પણ દક્ષિણ ઝોનના પોલીસ સ્ટેશનોએ શહેરમાં મોડી રાત સુધી હોલ ચાલુ ના રહે તેની ખાતરી કરી હતી. કેટલાક હોલમાં જ્યાં લગ્નના કાર્યક્રમો ચાલુ હતા ત્યાં પોલીસે પહોંચીને હોલ ખાલી કરાવ્યા હતા અને લોકોને ટોળા એકત્ર નહીં કરવા માટે સૂચના આપી હતી.