(એજન્સી) તા.૮
દેશમાં કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જણાવ્યું કે, છેલ્લા ૪૫ દિવસોથી દેશમાં લૉકડાઉન લાગૂ છે. આ સંકટની સ્થિતિમાં સૌથી પહેલાં જરૂરી છે કે, નાના ઉદ્યોગોને રાહત પેકેજ આપવામાં આવે અને લોકો સુધી વધુમાં વધી રોકડ પહોંચાડવામાં આવે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, સરકારે દેશને બતાવવું જોઈએ કે, તે કોરોના સામે લડવા માટે ક્યા પ્રકારની યોજના તૈયાર કરી રહી છે. માત્ર લૉકડાઉનથી કોરોનાને હરાવી નહીં શકાય. હું સ્વીકારૂં છું કે, કોરોના સંક્રમણ ઘણી મોટી સમસ્યા છે અને તે ડાયાબિટીસના દર્દીઓ અને વૃદ્ધો માટે વધારે ઘાતક છે, પરંતુ તેને હરાવી શકાય છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, જ્યારે આપણે કોરોના સામેની લડાઈને રાજ્યો સુધી લઈ જઈશું, ત્યારે જ જીતી શકીશું. માત્ર PMO તરફથી કોરોનાની લડાઈ નહીં જીતી શકાય. વડાપ્રધાને મુખ્યમંત્રીઓ પર વિશ્વાસ કરવો પડશે અને CM અને DM પર વિશ્વાસ વ્યક્ત કરવો પડશે. લૉકડાઉને આખી દુનિયાના વિચારો બદલી નાંખ્યા છે. લૉકડાઉન પહેલાં કોરોના કોઈનો જીવ નહતો લેતો, પરંતુ લૉકડાઉન બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે. વડાપ્રધાને પણ આ વિશે લોકોને બતાવવા માટે આગળ આવવું પડશે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવા જોઈએ. તેમને ટેસ્ટ કર્યા બાદ જ પ્રવાસની મંજૂરી મળવી આપવામાં આવવી જોઈએ. સરકાર પ્રવાસી મજૂરોને જ્યાં છે ત્યાં જ રોકવા માંગે છે. રાહુલ ગાધીએ કહ્યું કે, એઈમ્સના ડૉક્ટર કહે છે કે, જૂન અને જુલાઈમાં કોરોનાના કેસો વધશે, પરંતુ મને લાગે છે કે તે તેનાથી આગળ પણ વધવાના છે. આમ છતાં સરકારે લૉકડાઉન ખોલવું જ પડશે. રાજ્યોનો આરોપ છે કે, અમને જેટલા રૂપિયા મળવા જોઈએ, તેટલા કેન્દ્ર તરફથી નથી આપવામાં આવી રહ્યા. પ્રવાસી મજૂરોની વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ન્યાય યોજનાની મદદથી લોકોના હાથમાં પૈસા આપવાના શરૂ કરવા જોઈએ. જેનાથી ૬૫ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો આવશે. દેશના મોટાભાગના લોકો રોજિંદા કામદાર છે. આથી લોકોને કામ મળે તે જરૂરી છે. રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરતા પૂછ્યું કે, કેન્દ્ર સરકારે જણાવવું જોઈએ કે, આખરે લૉકડાઉન ક્યારે ખુલશે ? લોકોને જાણવાનો અધિકાર છે કે, કંઈ પરિસ્થિતિમાં લૉકડાઉન ખોલવામાં આવશે. લૉકડાઉન દરમિયાન ઘણું બધુ બદલાઈ ગયું છે, હવે આ મહામારી ભયાનક થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને રણનીતિ બનાવવાની જરૂરત છે. સરકારે લૉકડાઉન ખોલવું જ પડશે નહીં તો, નોકરીઓ જવામાં સુનામી આવી જશે. પ્રવાસી મજૂરો, ગરીબો અને નાના વેપારીઓને આજે રૂપિયાની જરૂર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આપણે એક શક્તિશાળી વડાપ્રધાનની જગ્યાએ શક્તિશાળી CM અને DM બનાવવાની જરૂરત છે. જેનાથી કોરોનાને રાજ્યોમાં જ ખતમ કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારે જે ઝોનનું વર્ગીકરણ કર્યું છે, તેમાં રાજ્યો સાથે વાત નથી કરવામાં આવી. જેના કારણે જે ઝોન રેડ હતા તે ગ્રીન ઝોનમાં જતાં રહ્યા અને તેનાથી મુશ્કેલી વધી ગઈ. કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર સાથે મળીને કોરોનાને હરાવવા માટે કામ કરવું જોઈએ. આરોગ્ય સેતુ એપ પર પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, આ એપને ઓપન સોર્સ કરી દેવી જોઈએ અને તેનો ઈન્ટર્નલ પોગ્રામ સૌને ખોલીને બતાવે. સરકારે વધારે પારદર્શિતા લાવવી જોઈએ અને એપ પર કામ કરવું જોઈએ.