અમદાવાદ, તા.૧૯
અમદાવાદ શહેરમાં કોરોના સિવાયની બીમારીના તથા આવી બીમારીથી મોતને ભેટેલા લોકોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. લોકોને સમયસર સારવાર ન મળતાં મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદની એક સમયની જીવાદોરી સમાન ઐતિહાસિક વી.એસ.હોસ્પિટલ કોવિડ-૧૯ સિવાયના દર્દીઓ માટે પુનઃ ચાલુ કરવામાં આવે તેવી માંગ જમાલપુર વોર્ડના મ્યુનિ. કાઉન્સિલર શાહનવાઝ શેખે કરી છે.
ડેપ્યુટી મ્યુનિ. કમિશનર (હેલ્થ)ને લખેલા પત્રમાં શાહનવાઝ શેખે જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં કોવિડ-૧૯ મહામારીના લીધે ૮પ૦૦થી વધારે લોકો સંક્રમિત થયા છે તેમજ પપપ લોકોના આજદિન સુધીમાં મૃત્યુ થયેલ છે. હાલની પરિસ્થિતિમાં મ્યુનિ. સંચાલિત એસવીપી હોસ્પિટલમાં માત્ર કોવિડ-૧૯થી સંક્રમિત દર્દીઓને જ સારવાર આપવામાં આવી રહી છે. અન્ય જીવલેણ તેમજ ગંભીર બીમારીઓની સારવાર કરવામાં આવતી નથી તેમજ અન્ય બીમારીઓ જેવી કે ડાયાબિટીસ, હાર્ટ, કિડની સહિતની બીમારીના દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી જેનાથી શહેરના નાગરિકોને ખૂબ જ હાલાકી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમયસર સારવાર ન મળતા કેટલાક દર્દીઓના ઘરમાં જ મૃત્યુ થઈ રહ્યા છે. આથી વીએસ હોસ્પિટલ કે જેમાં અંદાજિત પ૦૦ બેડની સુવિધા છે તે બંધ હાલતમાં છે માટે તાકીદે કોવિડ-૧૯ સિવાયના દર્દીઓ માટે પુનઃ વીએસ હોસ્પિટલ ચાલુ કરવામાં આવે જેનાથી શહેરના નાગરિકો સમયસર સારવાર મળી રહે તેવી તેમણે વિનંતી કરી છે. આ માગણી સાથે મ્યુનિ. કાઉન્સિલર શાહનવાઝ શેખ અને શહેર કોંગ્રેસના મહામંત્રી કૈય્યુમ કુરેશીએ દાણાપીઠ ખાતેની મ્યુનિ. કચેરીમાં બેનરો સાથે દેખાવ અને ધરણાં કર્યા હતા તેમજ વીએસ હોસ્પિટલ પુનઃ ચાલુ કરાવવા માંગ કરી હતી.