(એજન્સી) તા.૧૭
સોમવારે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા હતા. જસ્ટિસ ગોગોઈએ સુપ્રીમ કોર્ટની એ બેંચનું નેતૃત્ત્વ કર્યું હતું. જેણે અયોધ્યાના વિવાદિત સ્થળને હિંદુઓને સોંપ્યું હતું અને તેમણે જ રાફેલ વિમાનોના સોડા અંગે તપાસ કરવા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. આ ઉપરાંત જસ્ટિસ ગોગોઈએ આસામમાં થયેલી એનઆરસીની કવાયતનું જાહેરમાં સમર્થન કર્યું હતું. ઘણા વરિષ્ઠ વકીલો અને રાજકારણીઓએ એવા સંકેતો આવ્યા હતા કે સરકારથી મુખ્ય વિચારધારાને અનુરૂપ ચુકાદો આપવા બદલ પૂર્વ મુખ્ય ન્યાયાધીશને ઈનામ મળ્યું છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ગૌતમ ભાટિયાએ ટિ્‌વટ કરી કહ્યું હતું કે, “થોડા જ સમયમાં જે ગર્ભિત લાગતું હતું, તે સ્પષ્ટ બની ગયું. પરંતુ હવે ન્યાયતંત્રની સ્વતંત્રતા સત્તાવાર રીતે મરી પરવારી છે.” સુપ્રીમ કોર્ટના જ બીજા વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ કહ્યું હતું કે “જસ્ટિસ ગોગોઈએ ફક્ત તેમનો ન્યાયિક રેકોર્ડ જ નહીં પરંતુ હવે તેમણે તેમની સાથે બેસનારા સહયોગી ન્યાયાધીશોની સ્વતંત્રતા અને નિષ્પક્ષતાને જોખમમાં મૂકી દીધી છે.” સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ દુષ્યંત દવેએ સુપ્રીમ કોર્ટના જ એક કર્મચારી દ્વારા જસ્ટિસ ગોગોઈ પર કરવામાં આવેલ જાતીય સતામણીના આક્ષેપોનો ઉલ્લેખ કર્યો હતો. આ મહિલાની તપાસ માટે રચવામાં આવેલી સુપ્રીમ કોર્ટની આંતરિક-સમિતિએ કોઈપણ બહારના સભ્યની ગેરહાજરીમાં જસ્ટિસ ગોગોઈએ ક્લિનચીટ આપી હતી. આ ઉપરાંત આ ફરિયાદ મહિલાને વકીલ આપવાનો પણ ઈનકાર કરવામાં આવ્યો હતો. દુષ્યંત દવેએ એક સમાચારપત્રને જણાવ્યું હતું કે, “આ રાજ્યસભાનું નોમિનેશન સ્પષ્ટ રીતે રાજકીય છે તે દર્શાવે છે કે કેવી રીતે ન્યાયતંત્રને નબળું પાડવામાં આવ્યું છે. આ ન્યાયિક સ્વતંત્રતાની ગેરહાજરીનો સ્પષ્ટ પુરાવો છે.”