માંગરોળ, તા.ર૪
માંગરોળ તાલુકામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર કોસંબા ગામની સીમમાંથી, ગત રાત્રે સુરત જિલ્લા પોલીસે એક કન્ટેનરમાંથી ૧૮.૨૪ લાખની કિંમતનો વિદેશીદારૂ પકડી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઓપરેશનગ્રુપના એ.એસ.આઇ. મહેન્દ્રભાઈ શનાભાઈએ કોસંબા પોલીસ મથકે દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત રાત્રી દરમિયાન ઓપરેશનગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી કે, મુંબઈથી અમદાવાદ તરફ જતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપરથી એક કન્ટેનર દારૂ ભરીને પસાર થનાર છે. જેને પગલે આ ટીમે કોસંબા ગામની સીમમાં વોચ ગોઠવી વાહનો ચેક કરતાં હતા. દરમ્યાન બાતમીવાળું કન્ટેનર આવતાં પોલીસ ટીમે ટેન્કર ઊભું રખાવી ચાલકને પૂછતાં ચાલકે કહ્યું કે, કન્ટેનરમાં મકાઈનો માલ છે. જેનું બિલ પણ બતાવ્યું હતું. પોલીસે કન્ટેનરનો દરવાજો ખોલી ચેક કરતાં અંદરથી ખૂબ મોટી માત્રામાં વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત ૧૮.૨૪ લાખ થાય છે. જ્યારે કન્ટેનરની કિંમત ૧૨ લાખ, મોબાઈલ નંગ એક જેની કિંમત એક હજાર રૂપિયા મળી કુલ ૩૦.૨૫ લાખનો મુદામાલ કબજે કરી ચાલક દિલરાજસિંહ બલદેવસિંહ (રહેવાસી ગલીધારા, પંજાબ)ની અટક કરી છે. જ્યારે માલ ભરાવનાર નરેશને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. આ માલ કામરેજ અને કોસંબા વચ્ચે આવેલ પેટ્રોલપમ્પ નજીક કોઈ શખ્સને આપવાનો હતો. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.