(એજન્સી) નવી દિલ્હી,તા.૩૦
ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ યુએઈમાં લીગ માટેની ટ્રેનિંગ શરૂ કરી છે. તેઓ પાંચ મહિના પછી સાથી ખેલાડીઓ સાથે નેટ પર ઉતર્યા. તેમણે ખુદ ટિ્‌વટર પર ટ્રેનિંગની તસવીર શેર કરી હતી અને લખ્યું કે, મેં પાંચ મહિના પછી મેદાન પર પગ મૂક્યો હતો. જ્યારે હું નેટ્‌સ પર ગયો, ત્યારે મને લાગ્યું કે ૬ દિવસ પહેલા જ હું મેદાન પર આવ્યો હતો. ટીમ સાથેનું પહેલું સેશન ખૂબ સારું રહ્યું. આ આરસીબીનું ફૂલ ટ્રેનિંગ સેશન હતું. આમાં વિરાટ નેટ્‌સ પર કેટલાક સારા શોટ્‌સ લગાવતો જોવા મળ્યો હતો. તે બોલને સારી રીતે ટાઈમ પણ કરી રહ્યો હતો. કોહલી માર્ચથી સ્પર્ધાત્મક ક્રિકેટથી દૂર છે. કેટલાક ક્રિકેટરોએ ભારતમાં આઉટડોર ટ્રેનિંગ શરૂ કરી હતી, ત્યારે મુંબઈમાં વધી રહેલા કોરોના કેસને કારણે ભારતીય કેપ્ટન ઘરે જ રહ્યા હતા. ટ્રેનિંગ સેશનમાં દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેન અને આરસીબીના ક્રિકેટ ઓપરેશન્સ ડાયરેક્ટર માઇક હેસન પણ સામેલ હતા. હેસન કોહલી અને સ્ટેન સાથે વાત કરતા જોવા મળ્યા હતા.