નવી દિલ્હી,તા.૨૪
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદથી જ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસ લેવાની ચર્ચાએ જોર પકડ્યુ છે પરંતુ હાલ ધોની તરફથી અને પસંદગી કર્તાઓ તરફથી આ ખબરોને ફગાવી દેવાઈ છે.આ દરમિયાન એક એવા સમાચાર આવી રહ્યા છે કે વિરાટ કોહલીએ ધોનીને વિનંતી કરી છે કે તેઓ અત્યારે સંન્યાસ લેવા વિશે ના વિચારે. વર્લ્ડ કપ બાદ ધોની સંન્યાસ લેવા વિશે ઈચ્છતા હતા પરંતુ વિરાટ કોહલીએ તેમને વિનંતી કરી કે અત્યારે તેઓ સંન્યાસ ના લે અને ધોનીએ પણ કોહલીના કહેવા પર પોતાના રિટાયરમેન્ટને ટાળી દીધુ છે. વિરાટ કોહલીના અંગત સૂત્રો દ્વારા એ જાણકારી આપી છે કે ધોની રિટાયરમેન્ટ લેવા ઈચ્છતા હતા પરંતુ વિરાટે તેમને આ માટે રોક્યા. ધોનીએ પોતાના સંન્યાસ વિશે કેટલાક ખેલાડીઓને પહેલા જ જાણકારી આપી દીધી હતી. ચેન્નઈ માટે ધોનીની સાથે રમનાર કેટલાક ખેલાડી જાણતા હતા કે તેઓ વર્લ્ડ કપ બાદ સંન્યાસ લઈ લેશે. કોહલીએ ધોનીના સંન્યાસને ટાળવાની વિનંતી કરતા કહ્યુ કે તે અત્યારે સમગ્ર રીતે ફીટ છે અને તે આવતા વર્ષે થનાર ટી૨૦માં રમી શકે છે. વિરાટ કોહલીએ ધોનીને હાલ સંન્યાસ ના લેવાની વાત કહી અને આ માટે તેમણે તર્ક પણ આપ્યો.