કરાંચી,તા.૩
ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં નિષ્ફ્ળ રહેલા ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીનો પાકિસ્તાનના પૂર્વ કપ્તાન અને ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે બચાવ કર્યો છે. ઈન્ઝમામે કહ્યું કે, “વિરાટ કોહલીની બેટિંગ ટેક્નિકમાં કોઈ ખામી નથી. જો તેની ટેક્નિક ખરાબ હોત તો તે ૭૦ સેન્ચુરી મારી ન હોત.” વિરાટે ન્યૂઝીલેન્ડ સામેની ૨ ટેસ્ટની ૪ ઇનિંગ્સમાં માત્ર ૩૮ રન કર્યા હતા. મોહમ્મદ શમીએ તેનાથી વધુ ૪૪ રન કર્યા હતા.
ઈન્ઝમામે પોતાની યૂટ્યૂબ ચેનલ પર એક વીડિયોમાં કોહલીનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, હું હેરાન છું કે વિરાટની ટેક્નિક પર પ્રશ્નો થઇ રહ્યા છે. શું તમે ભૂલી ગયા કે આ ટેક્નિકથી જ તેણે ૭૦ સેન્ચુરી મારી છે. કોઈ કહે છે તેનું બેટ ગલીથી આવે છે, કોઈ કહે છે બેકલિફ્ટ વધારે છે. એવું કઈ નથી. દરેક ખેલાડીના જીવનમાં આવો સમય આવે છે, જ્યારે તે પોતાનાથી લડી રહ્યો હોય છે. હું એક વાતની ગેરેન્ટી આપી શકું છું કે વિરાટ હવે પહેલા કરતા વધુ રન બનાવશે. મોહમ્મદ યુસુફ સાથે પણ આવું થયું હતું. તે મારી પાસે આયો તો મેં કહ્યું હતું કે, કઈ બદલવાની જરૂર નથી. તે આ ટેક્નિકથી જ હજારો રન બનાવ્યા છે.