ક્રાઈસ્ટચર્ચ,તા.૨
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ફ્લોપ રહ્યો હતો. તેણે ત્રણેય ફોર્મેટની ૧૧ ઇનિંગ્સમાં કુલ ૨૧૮ રન કર્યા હતા અને આ દરમિયાન માત્ર ૧ ફિફટી મારી હતી. જ્યારે ૨ ટેસ્ટની ચાર ઇનિંગ્સમાં ૯.૫ની એવરેજથી ૩૮ રન કર્યા હતા. ભારતના પૂર્વ મિડલ ઓર્ડર બેટ્‌સમેન વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, “કોહલી પોતાની જૂની આદતોના લીધે ન્યૂઝીલેન્ડમાં ફ્લોપ રહ્યો. સ્વિંગ બોલિંગ પર તેનું બેટ સીધું આવતું નથી. તેનું બેટ એન્ગલથી નીચે આવે છે. તેને આ હેરાનગતિનો સામનો ૨૦૧૪માં ઇંગ્લેન્ડમાં પણ કરવો પડ્યો હતો.”
લક્ષ્મણે એક ટીવી પ્રોગ્રામમાં કોહલીની બેટિંગ ટેક્નિકનું એનાલિસિસ કર્યું હતું. તેમણે કહ્યું કે, વિરાટની બેટિંગમાં એક જ પ્રોબ્લમ છે, સ્વિંગ બોલિંગમાં જે એન્ગલથી તેનું બેટ નીચે આવે છે. તે સિવાય અન્ય કોઈ બાબત ચિંતાનો વિષય નથી. એલબીડબ્લ્યુ અથવા અન્ય કોઈ બાબતોને ધ્યાન આપવાની જરૂર નથી. ઇંગ્લેન્ડમાં પણ આપણે જોયું કે તે કઈ રીતે આઉટ થતો હતો. ખાસ કરીને જેમ્સ એન્ડરસન સામે. આ સીરિઝમાં પણ તે જે રીતે આઉટ થયો તે જોવો. જે એન્ગલથી તેનું બેટ આવે છે તેના લીધે બેટ અને પેડ વચ્ચે ગેપ રહી જાય છે. તે પરિસ્થિતિમાં તેની પાસે એડજસ્ટમેન્ટ કરવાનો સમય રહેતો નથી. બીજી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં તે ખામીના લીધે જ આઉટ થયો.