નવી દિલ્હી, તા.૨૦
ગાબામાં ઐતિહાસિક જીત હાંસલ કરી સીરિઝ પોતાના નામે કરનાર ટીમ ઇન્ડિયાના ચોમેર વખાણ થઇ રહ્યાં છે. હેડ કોચે પણ સમગ્ર ટીમના વખાણ કર્યા જેમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા જેવા દિગ્ગજ ખેલાડીઓની ગેરહાજરીમાં પણ ટીમે દમદાર પ્રદર્શન કર્યું.
શાસ્ત્રીએ કહ્યું કે, પ્રથમ ટેસ્ટ બાદ ટીમ સાથે ન હોવા છતાં કોહલીની વાતોએ પૂરી ટીમને પ્રભાવિત કરી. આ ટીમ રાતો-રાત નથી બની. વિરાટ અહીં આપણી સાથે ન હોવા છતાં આપણી સાથે હતો. તેની વાતો બધાને પ્રભાવિત કરી રહી હતી. રહાણે ભલે શાંત દેખાય છે પરંતુ અંદરથી એક મજબૂત વ્યક્તિ છે.
શાસ્ત્રીએ ઐતિહાસિક સીરિઝની જીતમાં વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર અને ટી નટરાજન જેવા નવા ખેલાડીઓના યોગદાનના પણ વખાણ કર્યા. તેમણે કહ્યું કે, વોશિંગ્ટન સુંદર નેટ બોલર તરીકે આવ્યો હતો પરંતુ તેણે શાનદાર રમત બતાવી. સુંદરે એવી બેટિંગ બતાવી કે તેણે પહેલાં જ ૨૦ ટેસ્ટ રમી લીધી હોય. શાર્દુલ અંગે પણ આવું જ છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બીજી પારીમાં માત્ર ૩૬ રન જ બનાવી શકી હતી. જે ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાનો સૌથી ઓચો સ્કોર પણ છે. ઓસ્ટ્રેલિયાએ એ મેચ આઠ વિકેટે જીતી હતી. આ શરમજનક હાર બાદ ટીમ ઇન્ડિયાએ યુવા અને નવા ખેલાડીઓના દમે ઓસ્ટ્રેલિયાને હરાવી.
કોહલી ટીમમાં ન હોવા છતાં પૂરી ટીમને પ્રભાવિત કરી : શાસ્ત્રી

Recent Comments