નવી દિલ્હી,તા.૬
બીસીસીઆઈના કન્ડક્ટ અધિકારી ડી.કે. જૈને કહ્યું હતું કે તે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વિરુદ્ધ મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના આજીવન સભ્ય સંજીવ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી હિતોના ટકરાવની ફરિયાદની તપાસ કરશે. ગુપ્તાએ અગાઉ અન્ય ખેલાડીઓ પર પણ આ પ્રકારના આરોપો લગાવ્યા હતા, જેને બાદમાં રદ કરવામાં આવ્યા હતા. ગુપ્તાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે કોહલી એક સાથે બે હોદ્દા ધરાવે છે. તે ભારતીય ટીમનો કેપ્ટન છે અને તે કંપનીનો સહ ડિરેક્ટર છે જે ટીમના ઘણા ખેલાડીઓનું સંચાલન સંભાળે છે. ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે આ બીસીસીઆઈ બંધારણનું ઉલ્લંઘન છે, જે અનુસાર કોઈ એક વ્યક્તિ એક કરતા વધારે હોદ્દો સંભાળી ન શકે. જૈને કહ્યું, ‘મને ફરિયાદ મળી છે. હું તેની તપાસ કરીશ અને પછી જોઉં છું કે કેસ બન્યો છે કે નહીં. જો કેસ બને તો મારે કોહલીને જવાબ આપવાની તક આપવી પડશે. ગયા મહિનામાં જૈનનો કાર્યકાળ એક વર્ષ વધાર્યા પછી આ પહેલો મોટો કેસ છે. પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન જૈને ભારતીય ક્રિકેટના મહાન બેટ્‌સમેન રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી,
વીવીએસ લક્ષ્મણ અને કપિલ દેવ સામે આ જ પ્રકારની ફરિયાદનો સામનો કર્યો હતો. આ બધી ફરિયાદો ગુપ્તાએ કરી હતી, ત્યારબાદ આ દિગ્ગજ ખેલાડીઓએ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. આ ફરિયાદો બાદમાં રદ કરવામાં આવી હતી. બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ પહેલા જ કહ્યું છે કે લોઢા સમિતિએ નક્કી કરેલા હિતોના સંઘર્ષના માપદંડ વાસ્તવિક નથી.