(એજન્સી)                             તા.૯

સઉદી અરબના ગુપ્તચર વિભાગના પૂર્વ વડાએ દાવો કર્યો હતો કે સઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને રશિયાના  રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સીરિયામાં સૈન્ય દખલગીરી કરવા માટે ઉશ્કેર્યા હતા. અમેરિકાની કોર્ટમાં સઉદીના ગુપ્તચર વિભાગના પૂર્વ વડા સાદ-અ-જાબરીએ દાખલ કરેલા કેસ મુજબ  અલ-જાબરીએ વર્ષ ર૦૧પમાં સીઆઈએના પૂર્વ ડાયરેકટર જોહન બ્રેનન સાથે બે સત્તાવાર બેઠકો યોજી હતી. આમાંથી એક બેઠકમાં ક્રાઉનપ્રિન્સ અને પુતિન વચ્ચે થયેલી વાતચીત અંગે ચર્ચા થઈ હતી. આ  બેઠકમાં બ્રેનને સીરિયામાં રશિયાની કથિત દખલગીરી અંગે ચિંતા વ્યકત કરી હતી. જયારે અલ-જાબરીએ બ્રેનનની ચિંતા અંગે મોહમ્મદે બિન સલમાનને જણાવ્યું ત્યારે તે રોષે ભરાયા હતા. ત્યાર બાદ અલ-જાબરી અને બ્રેનન વચ્ચે થયેલી બીજી બેઠકમાં સીઆઈએના  ડાયરેકટરે અલ-જાબરીને કહ્યું હતું કે એજન્સીને અલ-જાબરીને ગુમાવવાનું પરવડે તેમ નથી. કારણ કે યમનમાં સઉદીની દરમ્યાનગીરી મુદ્દે અલ-જાબરીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બીજી તરફ સપ્ટેમ્બરમાં રશિયાએ  રાષ્ટ્રપતિ બશર-અલ-અસદને સમર્થન આપવા સીરિયામાં લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી. આ કેસમાં આ પણ ખુલાસો થયો હતો કે ક્રાઉન પ્રિન્સે અલ-જાબરીની હત્યા કરવા માટે કેનેડામાં એક વિશેષે ટીમ મોકલી હતી.