(એજન્સી) તા.૧૯
પાકિસ્તાનના ક્રિકેટર શાહીદ આફ્રીદીએ કહ્યું હતું કે ભારત-પાકિસ્તાનના રમત-ગમતના સંબંધોની વચ્ચે રાજકારણ ન આવવું જોઈએ. તેમનું માનવું છે કે, બન્ને દેશોના સંબંધોને સુધારવા અને મજબૂત કરવા માટે ક્રિકેટનો ઉપયોગ થવો જોઈએ. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે ભારત અને પાકિસ્તાન આઈસીસીની ટુર્નામેન્ટમાં સાથે રમે છે પરંતુ ર૦૧૩થી તેઓએ દ્વિપક્ષીય શ્રેણી રમી નથી. છેલ્લે ર૦૦૮માં યોજાયેલા એશિયા કપ દરમિયાન ભારતની ક્રિકેટ ટીમે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. ૮-૯ ફેબ્રુઆરી દરમિયાન સ્વિત્ઝરલેન્ડમાં સેન્ટ મોરિઝ આઈસ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્દઘાટન પ્રસંગે આફ્રિદીએ વિરેન્દ્ર સહેવાગ, મોહમ્મદ કૈફ, અજીત અગરકર અને ઝહીરખાન જેવા ખેલાડીઓ સાથે રમતના સંસ્મરણો વિશે વાત કરી હતી. આફ્રિદીએ કહ્યું હતું કે, હું માનું છું કે, રમતથી રાજકારણને દૂર રાખવું જોઈએ. રમત શાંતિ સ્થાપવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. ઘણા સમય પછી ભારતના ખેલાડીઓ સાથે રમવું સરસ વાત છે. આ ટુર્નામેન્ટમાં કશું હકારાત્મક છે અને તે ચાલુ રહેવું જોઈએ. બન્ને દેશોએ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ પણ રમવી જોઈએ.