(એજન્સી) તા.ર૯
ઈરફાનખાન આજે મૃત્યુ પામતા સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી છે. તેમાં અનેક ક્રિકેટર પણ સામેલ છે. ઈરફાન હંમેશાથી ક્રિકેટની દુનિયામાં પ્રસિદ્ધ રહ્યા છે. તે પાછલા વર્ષે અંગ્રેજી મીડિયમ ફિલ્મની શુટિંગ દરમિયાન ઈંગ્લેન્ડના લંડનમાં ક્રિકેટ મેચનો આનંદ માણતા જોવા મળ્યા હતા. ફિલ્મોના સેટ્‌સ પર પણ તેમને અનેક વખત મેચ રમતા જોવામાં આવ્યા. ખાસ વાત એ છે કે, ઈરફાન કયારેક પોતે પણ ક્રિકેટર બનવા ઈચ્છતા હતા. આ તેમણે પોતે સ્વીકાર્યું હતું. એક અભિનેતા બનતા પહેલાં તેમનું સ્વપ્ન ક્રિકેટર બનવાનું હતું. યુ-ટયુબના એક ટોક શોમાં તેમણે પોતાના સ્વપ્ન વિશે જણાવ્યું હતું. ઈરફાને જણાવ્યું હતું કે, તે એક ઓલરાઉન્ડર હતા. તેમને બેટિંગ ખૂબ જ પસંદ હતી. પરંતુ કેપ્ટનના કહેવા પર બોલિંગ કરવી પડતી હતી અને તેમને વિકેટ મળી જતી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમને રમવા માટે સંતાઈને જવું પડતું હતું. ઘરનું વાતાવરણ પણ એવું હતું કે, બતાવવું પડતું હતું કે કયાં જઈ રહ્યા છો, આવામાં કયારેય ક્રિકેટને કેરિયર તરીકે નથી વિચાર્યું. જ્યારે મારું સિલેકશન થયું તો ટીમને જયપુરથી અજમેર જવાનું હતું. બધાને ર૦૦-રપ૦ રૂપિયા ભેગા કરવાના હતા. હું કરી શકયો નહીં. તે દિવસ મને લાગ્યું કે હું ક્રિકેટ આગળ રમી શકતો નથી. ઈરફાને એક વર્તમાનપત્રને ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે ભારતમાં સચિન તેન્ડુલકર, કપિલ દેવ અને મહેન્દ્રસિંહ ધોનીના ફેન છે. સાથે જ પાકિસ્તાની ક્રિકેટર ઝહીર અબ્બાસ અને પૂર્વ કેપ્ટન ઈમરાનખાન પણ તેમના મનગમતા ખેલાડી હતા. ઈરફાને જણાવ્યું કે, તેમણે ક્રિકેટમાં ભ્રષ્ટાચાર સામે આવવાના કારણે રમવાનું છોડી દીધું હતું.