(એજન્સી) તા.૨૦
છેલ્લા એક સપ્તાહથી દંતકથારૂપ ઓફ સ્પીનર મુથૈયા મુરલીધરનની બાયોપિકની જાહેરાતે તામિલનાડુમાં ઉગ્ર વિવાદ ઊભો કર્યો છે. અનેક રાજકીય પક્ષો અને તમિળ રાષ્ટ્રવાદી હમદર્દીઓએ એવો દાવો કર્યો હતો કે જે વ્યક્તિ શ્રીલંકામાં સમસ્યારૂપ છે એવી વ્યક્તિને સારી રીતે રજૂ કરવાનો પ્રયાસ આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે. તેમનું માનવું છે કે અભિનેતા વિજય સેતુપતિ કે જે તમિળ સિનેમાના ઊગતા કલાકાર છે. તેમણે મુરલીધરનનું મહિમામંડન કરવાનું માધ્યમ બનવું જોઇએ નહીં કે જેમની રાજનીતિએ શ્રીલંકાના તમિળોના હિતને નુકસાન પહોંચાડ્યું છે. સાઉથ સ્ટાર વિજય સેતુપતિએ શ્રીલંકાના આ પૂર્વ સ્પીનર મુરલીધરનની બાયોપિક ૮૦૦થી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ક્રિકેટર મુથૈયા મુરલીધરનની બાયોપિકમાં ક્રિકેટરની ભૂમિકા સાઉથ સ્ટાર વિજય સેતુપતિ ભજવવાના હતાં પરંતુ જેવી તેમને ખબર પડી કે ભારતમાં તેનો વિરોધ શરૂ થઇ ગયો છે અને તેથી વિજય સેતુપતિએ સોશિયલ મીડિયા પર મુરલીધરન દ્વારા લખવામાં આવેલ પત્ર શેર કર્યો છે જેમાં ક્રિકેટરે સાઉથસ્ટાર વિજય સેતુપતિને બાયોપિક છોડી દેવા અનુરોધ કર્યો છે. મુરલીધરને લખ્યું છે કે હું નથી ઇચ્છતો કે તામિલનાડુના શ્રેષ્ઠ અભિનેતા વિજય સેતુપતિને કોઇ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે અને એટલા માટે હું તેમને આ પ્રોજેક્ટ છોડવાનો અનુરોધ કરૂં છું. બે દિવસ પછી તમિળ ફિલ્મ ડાયરેક્ટર ભારતીરાજે સેતુપતિને પણ ખુલ્લો પત્ર લખીને આ પ્રોજેક્ટમાંથી હટી જવા અપીલ કરી હતી. પત્રમાં તેમણે એવો દાવો કર્યો હતો કે મુરલીધરન તમિળ લોકો માટે ગદ્દાર સમાન છે. ૨૦૦૯માં એલટીટીને કારણે લાખો નાગરિકોના મોત થયાં હતાં. શ્રીલંકાની સરકાર પર લઘુમતી તમિળો વિરુદ્ધ નરસંહાર કરવાનો આરોપ મૂક્યો છે, જેઓ હાલ શ્રીલંકાના વડા પ્રધાન છે તે મહિંદા રાજપક્ષ અને જેઓ દેશના પ્રમુખ છે એવા તેમના ભાઇ જી રાજપક્ષ દ્વારા આચરવામાં આવેલું યુદ્ધ અપરાધોમાં યોગ્ય તપાસ થઇ નથી. ૨૦૦૯માં મહિંદા રાજપક્ષ પ્રમુખ હતાં અને તેમના ભાઇ ગોતાબાયા સંરક્ષણ પ્રધાન હતાં. મુરલીધરન શ્રીલંકાના તમિળ હોવા છતાં તેમના મૂળ ભારતીય છે. તેના પૂર્વજો બ્રિટીશ શાસન દરમિયાન શ્રીલંકામાં કામ કરવા માટે ગયાં હતાં. જો કે મુરલીધરન પર બનનાર આ ફિલ્મના નિર્માતાઓએ એવી સ્પષ્ટતા કરી હતી કે આ ફિલ્મ તમિળ ઇલમને કોઇ રીતે ખરાબ ચિતરશે નહીં.
Recent Comments