(એજન્સી)
આઝમગઢ, તા.૧૮
ગત વર્ષે ચીનના વુહાન શહેરમાં ફાટી નીકળેલા કોરોના વાયરસનો કહેર આજે આખા વિશ્વમાં વર્તાઈ રહ્યો છે, ત્યારે દરેક દેશો દ્વારા કોરોનાના ફેલાવાને અટકાવવા માટે લોકડાઉન અથવા તો કરફ્યૂ લાદવામાં આવી રહ્યો છે. કોરોનાના આ લોકડાઉનને કારણે પોતાની રોજીરોટી ગુમાવનારા ભારતના હજારો શ્રમિકોએ હાલ તો પોતાના વતનની વાટ પકડી છે. દરરોજ ભારતના મોટાભાગના રસ્તાઓ પર પગપાળા ચાલી રહેલા અથવા તો રેલવે સ્ટેશન પર કે પછી ખુલ્લા મેદાનોમાં ધોમ ધખતા તડકા નીચે પોતાના વતન પરત ફરવા માટે બસ કે ટ્રેનની રાહ જોતાં પ્રવાસી શ્રમિકો જોવા મળી રહ્યા છે. આ પ્રવાસી શ્રમિકોમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ જોવા મળી રહ્યા છે. ભૂખ્યાં-તરસ્યા આ શ્રમિકો પાસે હવે વતન પરત ફરવા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નથી. એવામાં ગત સત્રમાં ઘરેલું ટુર્નામેન્ટસમાં શાનદાર પ્રદર્શન કરનારા મુંબઈના યુવા બેટ્સમેન સરફરાઝખાને કોવિડ-૧૯ની મહામારીને કારણે સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવેલા લોકડાઉનને પગલે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા અને ભૂખ અને તરસથી પીડાઈ રહેલા પ્રવાસી શ્રમિકોને ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યું છે. સરફરાઝ, તેમના નાનાભાઈ મુશીર અને પિતા સહ કોચ નૌશાદે ઉત્તરપ્રદેશના આઝમગઢમાં આવેલા પોતાના પૈતૃક ગામમાં પ્રવાસી શ્રમિકોને ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યું છે. ઘરેલું ટુર્નામેન્ટસમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરનાર સરફરાઝ લોકડાઉનને કારણે પોતાના પૈતૃક ગામમાં ફસાઈ ગયા છે. સરફરાઝે મીડિયાકર્મીઓને જણાવ્યું કે, ‘અમે બધાં જ બજારમાં જતા હતા, ત્યારે અમે જોયું કે મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર પગપાળા જઈ રહ્યા છે. આ પ્રવાસી શ્રમિકોને જોતાં જ મારા પિતાને તેમની મદદ કરવાનો વિચાર આવ્યો. ત્યારબાદ અમે તેમની મદદ કરવાનું નક્કી કર્યું.’
સરફરાઝના પિતા નૌશાદે કહ્યું કે, “અમે અત્યાર સુધીમાં લગભગ ૧૦૦૦ ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે. દરેક પેકેટમાં સેવ, એક કેળું, કેક, બિસ્કિટ અને પાણીની બોટલનો સમાવેશ થાય છે.” ઉલ્લેખનીય છે કે, સરફરાઝે અંડર-૧૯ની મેચમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. આરસીબીની ટીમમાં સામેલ સરફરાઝખાનની ફિટનેસ બરાબર ન હોવાને કારણે ટીમમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા હતા. પરંતુ હવે સરફરાઝે રણજી ટ્રોફીમાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી સૌનું ધ્યાન આકર્ષિત કરી લીધું છે.
ક્રિકેટર સરફરાઝખાને પ્રવાસી કામદારોને ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યું

Recent Comments