મુનાફ પટેલ એક એવો બોલર જેની બોલિંગનો ફાયદો બીજા બોલરોને થતો હતો
ર૦૧૧ વિશ્વકપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં મુનાફની મહત્ત્વપૂર્ણ ભૂમિકા
બોલિંગ માંગવા છતાં શેન વોર્ને બોલિંગ આપી નહીં અને રાજસ્થાન રોયલ્સ હારી ગયું, ગુસ્સે ભરાયેલા મુનાફે ટીમ માલિક પાસે પોતાનો પાસપોર્ટ માંગી લીધો હતો
(ઇમ્તિયાઝ પટેલ)
કોઈપણ રમતમાં સફળતાના શિખરે પહોંચવા માટે ટેલેન્ટની સાથે સાથે ઝનૂન હોવું ખૂબ જ જરૂરી છે. ક્રિકેટ પ્રત્યેનું ઝનૂન તમને ક્યાંથી ક્યાં લઈ જઈ શકે છે તેનું જીવંત ઉદાહરણ છે. મુન્નો ઉર્ફ મુનાફ પટેલ. ગરીબીના કારણે મુનાફના પિતા નહોતા ઈચ્છતા કે મુનાફ ક્રિકેટ રમે. તેઓ મુનાફને ઝામ્બિયા મોકલવા માંગતા હતા. પણ મુનાફના માથે ક્રિકેટનું ઝનૂન સવાર હતું.
વર્ષ હતું ર૦૦૬ મહિનો માર્ચ હતો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચોની સિરીઝ રમાઈ રહી હતી. સિરીઝની બીજી મેચ મોહાલીમાં રમાઈ. આ મેચમાં ગુજરાતના ભરૂચ જિલ્લાના ઈખર ગામનો એક એવો છોકરો ડેબ્યુ કરી રહ્યો હતો. જેણે ભારત માટે રમવાનું સ્વપ્ન જોયું હતું અને તેને પૂરૂં કરવા ગરીબી સાથે લડાઈ લડી હતી. નવ માર્ચે તે છોકરાએ ઈન્ડિયાની ટેસ્ટ કેપ પહેરી જેનું નામ હતું મુનાફ મુસા પટેલ.
ક્રિકેટ માટેના ઝનૂને મુનાફને ટીમ ઈન્ડિયામાં સ્થાન અપાવ્યું. મુનાફ ટીમમાં આવતા બોલિંગનું મુખ્ય હથિયાર બની ગયો. ભારતના સૌથી ઝડપી બોલરોમાં તેની ગણતરી થવા લાગી. ર૦૧૧ના વિશ્વકપમાં મુનાફ પટેલ ભારત માટે ત્રીજો સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો હતો.
સામાન્ય રીતે ઝડપી બોલરોની બોલિંગ એક્શન એકદમ આક્રમક હોય છે પણ મુનાફ તેમનાથી અલગ જ હતો. આરામથી પોતાનું રનઅપ લઈ બોલિંગ કરતો સ્પીડની સાથે ગજબની લાઈન લેન્થના કારણે ધુરંધર બેટસમેનોને રન બનાવવાના ફાંફાં પડી જતા હતા.
૧ર જુલાઈ ૧૯૮૩ના રોજ મુસાભાઈ પટેલ અને સઈદાબેન પટેલના ઘરે જન્મ લેનાર મુનાફ પટેલમાં પોતાના અધિકારો પ્રત્યે લડવાની ગજબની ભાવના છે. તે પોતાના સિદ્ધાંતો પ્રત્યે અડગ રહે છે. આજે પણ ટેલેન્ટેડ ક્રિકેટરોને નુકસાન ના થાય તેનું ખાસ ધ્યાન રાખે છે. સાથે જ ખરાબ નિર્ણય વિરૂદ્ધ તે પોતાનો રોષ વ્યક્ત કરી દે છે. વર્ષ ર૦૦૯માં દ.આફ્રિકામાં આઈપીએલનું આયોજન થયું હતું. તે સમયે મુનાફ પટેલ રાજસ્થાન રોયલ્સમાં શેન વોર્નના નેતૃત્વમાં રમતો હતો. આ ટુર્નામેન્ટની એક મેચમાં જ્યારે રાજસ્થાન મુશ્કેલીમાં હતું ત્યારે મુનાફે વોર્ન પાસે જઈને પોતાને બોલિંગ આપવા કહ્યું હતું પણ વોર્ને બોલિંગ આપી નહીં અને રાજસ્થાન મેચ હારી ગયું. મુનાફને વિશ્વાસ હતો કે જો તે પોતે બોલિંગ કરશે તો રાજસ્થાનને જીતાડી દેશે પણ એવું થયું નહીં. રાજસ્થાનના પરાજયના કારણે મુનાફનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને તેણે સીધા જઈને ટીમના માલિક પાસે પોતાનો પાસપોર્ટ માંગી લીધો જ્યારે તેને મનાવવા શેન વોર્ન હોટલના રૂમમાં ગયો તો તેણે દરવાજો બંધ કરી દીધો અને દરવાજો ખોલવાનો ઈન્કાર કરતા કહ્યું કે મારે તમારી એક પણ વાત સાંભળવી નથી. જો કે મુનાફ શેન વોર્નના નેતૃત્વનો મોટો પ્રશંસક હતો.
મુનાફે કહ્યું હતું કે વોર્નમાં એક જાદુ હતો. તેમનામાં કોઈપણ ખેલાડી પાસેથી શાનદાર પ્રદર્શન કરાવવાની કાબેલિયત હતી.
ભારત ર૦૦૭ના વિશ્વકપમાં ખરાબ રીતે હારી ગયું હતું. સચિન અને સૌરવની રેસ્ટોરન્ટ ઉપર પથ્થરમારો થયો. ધોનીના ઘરની દીવાલ તોડી નખાઈ હતી. ઝહીરખાનના ઘરે પણ પથ્થરો ફેંકાયા હતા ત્યારે ભારતીય ટીમ વેસ્ટઈન્ડિઝમાં હતી. સચિન મુનાફ પટેલના રૂમમાં પહોંચે છે અને પૂછે કે બધાના ઘરે બબાલ થઈ રહી છે તારા ઘરની શું હાલત છે. મુનાફે તે સમયે કહ્યું હતું પાજી જ્યાં હું રહું છું ત્યાં આઠ હજાર લોકો રહે છે અને તે આઠ હજાર મારી સિક્યુરિટી છે. મુન્નાનો જવાબ સાંભળી સચિન હસી પડે છે અને કહે છે કે તો પછી આપણા બધાએ તારા ઘરે જવું જોઈએ.
ર૦૧૧ વિશ્વકપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં મુનાફ પટેલનું મહત્ત્વપૂર્ણ યોગદાન હતું. વિશ્વકપમાં મુનાફ પટેલના કારણે જ ઝહીરખાનને ટેન્શન ફ્રી થઈને બોલિંગ કરવા મળી હતી. ઝહીરને રન આપવાની પરવાહ કર્યા વિના વિકેટ લેવા પર ફોકસ કરવા મળી રહ્યું હતું. આમ પણ બોલર પર વિકેટ લેાવની સાથે જ રન રોકવાનું દબાણ હોય છે પણ એક તરફ મુનાફ ઉર્ફે મુન્નો બોલિંગ કરી રહ્યો હોય અને રન બનતા ના હોય તો તમે થોડી લિબર્ટી લઈ શકો છે. વર્લ્ડકપ ર૦૧૧માં જો ભારત આવું કરી શકયું તો તેનું કારણ હતું મુનાફ પટેલ.
વર્લ્ડકપમાં યુવરાજસિંહે ભલે ભારત માટે સૌથી વધારે વિકેટ ઝડપી પણ તે ત્યારે પણ પાર્ટટાઈમ બોલર જ હતો અને યુવરાજને ફ્રીડમ આપનાર બોલર પણ મુનાફ જ હતો. મુનાફ પટેલની ઓવરમાં બેટસમેન રન બનાવી શકતા ન હતા. આવી સ્થિતિમાં નવા બોલરની ઓવરમાં વધારે રન બનાવવાની ફિરાકમાં બેટસમેનથી ભૂલ થવી સ્વાભાવિક છે. બેટસમેનોની આ ભૂલોનો યુવરાજ અને ઝહીરખાને ભરપૂર ફાયદો ઉઠાવી વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાના તત્કાલીન બોલિંગ કોચ એરીક સિમોન્સે તો મુનાફ પટેલને અજ્ઞાત વોરિયર ગણાવ્યો હતો. યુવાઓને તક આપવા ફક્ત ૩પ વર્ષની ઉંમરે ક્રિકેટને અલિવદા કહેનાર મુનાફ હાલ બરોડા રણજી ટીમના કોચ છે. તેમના અનુભવનો યુવા ખેલાડીઓ લાભ લઈ રહ્યા છે.
પૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફે કોરોના મહામારી વિરૂદ્ધની લડાઈમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે. મુનાફે પોતાના ગામ ઈખરમાં કોવિડ સેન્ટરનું સંચાલન કર્યું અને કોવિડ સેન્ટરમાં દર્દીઓના ભોજન સહિત તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું.
ભારતને અનેકવાર જીત અપાવનાર મુનાફ પટેલની કારકિર્દી જોઈને એવું લાગે છે કે આપણે ક્યારેય મુશ્કેલીઓ સામે હાર માનવી જોઈએ નહીં. હાર નહીં માનનારો વ્યક્તિ એક એવો યોદ્ધા હોય છે જે પોતાના જીવનની એક નવી કહાણી લખે છે. જો આજે તમારૂં જીવન ખૂબ જ મુશ્કેલીઓથી ભરેલું છે, તમને લાગી રહ્યું છે કે તમારૂં જીવન વ્યર્થ છે તો નિરાશ થવાની જરૂર નથી કારણ કે જો તમારી અંદર ટેલેન્ટ છે તો તમે બીજી જ ક્ષણે સફળ બની શકો છો અને દુનિયાને ઝુકાવી શકો છોે. મુનાફ પટેલની સ્ટોરી તો કંઈક આવો જ જુસ્સો આપે છે.
ટર્નિંગ પોઈન્ટ
ર૦ વર્ષના મુનાફને કિરણ મોરેએ ચેન્નાઈ સ્થિત એમઆરએફ પેસ ફાઉન્ડેશનમાં મોકલ્યો જેનાથી મુન્નાનું જીવન જ બદલાઈ ગયું. મુનાફ પટેલે મહાન ઝડપી બોલર ડેનિસ લીલી અને સ્ટીવ વો જેવા દિગ્ગજોને પોતાના પ્રશંસક બનાવી દીધા. મુનાફની બોલિંગ સ્પીડની ચર્ચા અખબારોમાં થવા લાગી. ર૦૦૦ની શરૂઆતમાં ટીમ ઈન્ડિયા પાસે મુનાફ પટેલ જેવો ઝડપી બોલર હતો. મુનાફ ૧૪૪ કિ.મી.ની ઝડપે બોલિંગ કરતો હતો જે તે વખતે ઘણી વધારે હતી. ગુજરાત અને વડોદરાની રણજી ટીમો મુનાફને પોતાની સાથે જોડવા માંગતી હતી પણ મુનાફની ફર્સ્ટ ક્લાસ મેચ રમતા પહેલાં જ ભારત ‘એ’ માટે પસંદગી થઈ.ર૦૦૩માં મુનાફે રાજકોટમાં પોતાના ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કર્યું અને તેણે બેટિંગ પિચ ઉપર ન્યુઝીલેન્ડના પાંચ બેટસમેન પેવેલિયન પરત મોકલી પોતાનું ટેલેન્ટ પુરવાર કર્યું. આ પ્રદર્શનથી ખુશ થયેલા સચિન તેંડુલકરે મુનાફને મુંબઈ માટે રમવાનું આમંત્રણ આપ્યું અને મુન્નાએ તેનો સ્વીકાર કરી લીધો. આ દરમ્યાન મુનાફ ક્રિકેટ વિશે ઘણું બધું શીખ્યા પણ ત્યાંની લાઈફસ્ટાઈલ અપનાવી શકયો નહીં. મુંબઈના ક્રિકેટરો તેને પાર્ટીમાં આવવા માટે બોલાવતા હતા પણ મુનાફ પાર્ટીમાં જવાનો ઈન્કાર કરતો હતોે.
Recent Comments