નવી દિલ્હી, તા. ૨૩
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીર અને ભૂતપૂર્વ મુખ્ય પસંગીકાર એમએસકે પ્રસાદ વચ્ચે શુક્રવારે એક ક્રિકેટ કનેક્ટેડ શોમાં અંબાતી રાયડુને લઈને ઝઘડો થઈ ગયો હતો. ૨૦૧૯ના વર્લ્ડકપ માટે રાયડુને ટીમમાંથી બહાર કરવાના મુદ્દે બંને વચ્ચે તકરાર થઈ હતી. પ્રસાદની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ ૨૦૧૯ વર્લ્ડકપ માટે પસંદ કરેલી ભારતીય ટીમમાં રાયડુના સ્થાને ઓલરાઉન્ડર વિજય શંકરની પસંદગી કરી હતી. ગંભીરે યુવરાજસિંહ અને સુરેશ રૈનાની પસંદગી પ્રક્રિયાને લઈને સવાલ ઉઠાવ્યા હતાં. ગંભીરે કહ્યું હતું કે, ૨૦૧૬માં મને ઇંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો તે સમયે કોઈ વાતચીત થઈ ન હતી. તમે કરૂણ નાયરને જુઓ, તેને કોઈ કારણ કહેવામાં આવ્યું નથી. તેમણે કહ્યું હતું કે જુઓ, અંબાતી રાયડુ સાથે શું થયું. તમે તેને બે વર્ષ માટે ટીમમાં રાખ્યો. આ દરમિયાન તેણે ચોથા ક્રમે બેટિંગ કરી. પરંતુ વર્લ્ડકપ શરૂ થવાની ગણતરીના દિવસ પહેલા તમને થ્રીડી ખેલાડીની જરૂર પડી. શું પસંદગી સમિતિના ચેરમેન પાસેથી એવા નિવેદનની અપેક્ષા રાખવામાં આવે છે કે અમારે થ્રી ડી ખેલાડીની જરૂર છે. પ્રસાદે આ અંગે કહ્યું હતું, ટીમમાં ટોપ ઓર્ડરમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને શિખર ધવન જેવા બેટ્સમેન હતા. તેમાંથી કોઈ પણ બોલિંગ કરી શકતો ન હતો. તેવામાં ઈંગ્લેન્ડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અમારે એક એવો ખેલાડી એવો જોઈતો હતો જે ઉપરના ક્રમમાં બેટિંગ કરવા ઉપરાંત બોલિંગ પણ કરી શકે. તેથી અમે વિજય શંકરની પસંદગી કરી હતી.
ક્રિકેટ શો દરમિયાન ગંભીર અને પ્રસાદની વચ્ચે તકરાર

Recent Comments