(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૯,
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલનાં ભાવ ઓછા થયા હોવા છતાં કેન્દ્ર સરકાર પ્રજા સામે લૂંટ ચલાવી રહેલા આક્ષેપ સામે શહેર કોંગ્રેસે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી માનવ સાંકળ રચીને વિરોધ નોંધાવ્યો હતો.
ક્રુડ ઓઇલનાં ભાવ આંતરરાષ્ટ્રીય બજારોમાં ૧૮ વર્ષથી નીચે જતાં રહ્યાં છે. ઓછા ભાવ થયા હોવાથી નાગરીકોને રાહત મળે તે માટે શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો શહેર પ્રમુખ અને વિપક્ષનાં નેતાની આગેવાનીમાં આજે કલેકટર કચેરી ખાતે કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. કલેકટર કચેરી બહાર કોંગ્રેસી અગ્રણીઓએ ચક્કાજામ કરીને પેટ્રોલ-ડિઝલનાં ભાવો ઓછા કરવાની માંગણી કરી દેખાવો કર્યા હતા. કોંગ્રેસ દ્વારા સાવચેતીનાં ભાગરૂપે માસ્ક પહેરીને કાર્યક્રમો કર્યો હતો. ભાવો ઘટવા હોવા છતાં સરકારે પેટ્રોલ-ડિઝલનાં ભાવ કરવાની જગ્યાએ ટેકસ વધારી દઇ એજ ભાવે પેટ્રોલ-ડિઝલ વેચી રહી છે. જેથી પ્રજાને ઓછા થયેલા ભાવનો કોઇ લાભ મળ્યો નથી તેમ કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું.