(એજન્સી) તા.૨૪
પાકિસ્તાનમાં ગત મહિને દુર્ઘટનાગ્રસ્ત થયેલા પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (પીઆઈએ) વિમાનના પાઈલટોનું ધ્યાન વિમાન ઉડાડવા પર હતું જ નહીં અને તે ઉડાન દરમિયાન જ કોરોના વાયરસ મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા. આ માહિતી પાકિસ્તાનના ઉડ્ડયનમંત્રીએ બુધવારે ત્યાંની સંસદમાં આપી હતી. પાકિસ્તાનના એવિએશન મંત્રીએ દુર્ઘટના અંગેના કારણો વિશે માહિતી આપતાં કહ્યું કે, આત્મવિશ્વાસ અને ધ્યાનનો અભાવ પણ અમુક એવા કારણોમાં સામેલ છે જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ વિમાન દુર્ઘટનામાં ૯૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
રાષ્ટ્રીય ઉડ્ડયન કંપનીના એરબસ એ-૩૨૦ વિમાન જ્યારે શુક્રવારે મલીરમાં મોડલ કોલોની નજીક સ્થિત ઝિણા ગાર્ડન ક્ષેત્રમાં દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યારે તેમાં ૯૧ યાત્રી અને ચાલકદળના આઠ સભ્યો હતો. ઉપરોકત વિમાન એરપોર્ટ પર ઉતરવાની અમુક મિનિટો પહેલાં જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં બે યાત્રી બચી ગયા હતા. ઉડ્ડયનમંત્રી ગુલામ સરવર ખાતે પીઆઈએ વિમાન દુર્ઘટના અંગે નેશનલ એસેમ્બલીમાં વચગાળાની તપાસનો રિપોર્ટ રજૂ કર્યો અને તેમાં જણાવાયું હતું કે, પાઈલટનું ધ્યાન કેન્દ્રીત નહોતું અને તેના કારણે જ વિમાન અકસ્માત સર્જાયો. તેમણે કહ્યું કે, પાઈલટ અને હવાઈ યાતાયાત નિયંત્રણની માનવીય ભૂલોને કારણે પાકિસ્તાન ઈન્ટરનેશન એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. મંત્રીએ કહ્યું કે, પાઈલટોએ એર ટ્રાફિક કન્ટ્રોલરના ઓછી ઊંચાઈ અંગેના નિર્દેશોની અવગણના કરી હતી. પાઈલટ અને એટીસી બંનેએ પ્રોટોકોલનું પાલન નહોતું કર્યું, બંને જણા કોરોના વાયરસ મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા.