(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૧
સુરતમાંથી પ્રવાસી પરપ્રાંતિયોને વતન જવા દેવાની છૂટ આપવાના નિર્ણય પછી, વિવિધ વિસ્તારોમાંથી તૈયારીઓ ગતરોજથી શરૂ થઈ ગઈ છે અને સંખ્યાબંધ લક્ઝરી બસો ઉપાડવામાં પણ આવી છે. આજે સુરતથી અંદાજે વીસેક કિ.મી. દૂર આવેલા અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કારીગરોને વતન મોકલવા માટે લક્ઝરી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. વતન જવા કારીગરોએ ૨૦૦૦થી ૨૫૦૦ ભાડૂ ચૂકવ્યું હતું.
પાંડેસરા વડોદ રોડ ઉપર તિરૂપતિ ચાર રસ્તાથી શ્રમિકોને યુપી અને એમપી જવા બસો રવાના કરાઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ચેકપોસ્ટ પર પોલીસની હાજરીમાં અંદાજે ૭૫૦૦ લોકોએ વતન જવા માટે નોંધણી કરાવી હતી. બસો ઉભેલી જોઈ મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા, જે જોતા એવું જ લાગે કે સુરત પરપ્રાંતિયોથી ખાલી થવા જઈ રહ્યું છે.રાહત કેન્દ્રોમાં રહેલા પરપ્રાંતિયોને પણ વતન મોકલવાની કામગીરી ચાલી રહી છે. સચિનથી રાત્રે ૧૧ લક્ઝરી બસમાં ૫૩૦ કારીગરો ઓડિશા ગયા હતા. આ ઉપરાંત અમરોલી-સાયણ રોડની અંજની અને તેની આસપાસના ઔદ્યોગિક વસાહતમાંના કારીગર વર્ગને વતન મોકલવા માટે લક્ઝરી બસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શુક્રવારે વહેલી સવારે આમાંની કેટલીક બસો ઔદ્યોગિક વસાહત નજીક ગોઠવવામાં આવી હતી. શુક્રવારે આવી ૬ બસની વ્યવસ્થા કરવામાં આવ્યું હોવાનું અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું હતું. ગઈકાલે સુરત શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી સેંકડો લક્ઝરી બસ ઓરિસ્સા માટે રવાના કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ લકઝરી બસો સચીન જીઆઇડીસી વિસ્તારમાંથી રવાના થઈ હતી.
ક્લેક્ટરની મંજૂરી બાદ લકઝરી બસમાં પ૩૦ કારીગરો ઓડિશા જવા રવાના

Recent Comments