(સંવાદદાતા દ્વારા)
બોડેલી, તા.૯
ક્વાંટ તાલુકાના સીહાદા ગામે ઝેરી દવાવાળી તાડી પીવાથી એક જ પરિવારના ચાર વ્યક્તિના મોત થયા છે જ્યારે એક મહિલા હાલ દવાખાનામાં સારવાર હેઠળ છે. પાનવડ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
કવાંટ તાલુકાના સીહાદા ગામે સીહાદી ફળિયામાં રહેતા દેવસીંગભાઈ કરશનભાઈ રાઠવાનાઓના ઘર પાસે આવેલ પોતાના માલિકીના તાડના વૃક્ષ ઉપર તાડ સેગી તાડી ઊતરતા હતા પરંતુ જે તાડના વૃક્ષની તાડીની મીઠાશના કારણે મકોડા તથા માખીઓ આવતી હોય જેથી તાડના વૃક્ષ ઉપર કલોરેમફેનીકોલ નામની ઝેરી દવાના (જેનો ઉપયોગ મકોડા તથા માખીઓ આવે નહીં તે માટે કરવામાં આવે છે.) છંટકાવ કરેલ હતો અને વરસાદ થવાના કારણે વરસાદના પાણી સાથે ઝેરી દવાનું ધોવાણ થતાં ઝેરી દવાવાળું પાણી તાડના વૃક્ષ પર લટકાવેલ તાડી ઝીલવાના માટલામાં ઊતરેલ તે તાડ ઉપરથી માટલામાંની તાડી દેવસીંગભાઈ કરશનભાઈનાઓએ પોતે ઊતારી લાવીને પોતે તથા પોતાના પરિવારના સભ્યો સાથે તાડી પીધી હતી જે ઝેરી તાડીની અસર થતા દેવસીંગભાઈ કરશનભાઈ રાઠવા (ઉ.વ.૪ર) તથા ઘરના સભ્યો, પત્ની-ઢેઢડીબેન દેવસીંગભાઈ રાઠવા ઉ.વ.૪૦, પુત્ર સુરેશભાઈ દેવસીંગભાઈ રાઠવા ઉ.વ.રર, મનીષભાઈ દેવસીંગભાઈ ઉ.વ.ર૦ને સારવાર માટે કેસર હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે લાવેલ હતા જેમાં સારવાર દરમ્યાન દેવસીંગભાઈ, ઢેઢડીબેન, સુરેશભાઈ અને મનીષભાઈનું મોત નિપજ્યું હતું અને સંતીબેન રામજીભાઈ રાઠવા રહે.રૂમડીયા તા.કવાંટ જિ.છોટાઉદેપુરનાઓ સારવાર હેઠળ છે.