બોડેલી,તા.ર૭
ગત રાતથી છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને સમગ્ર જિલ્લાની નદીઓ ગાંડીતૂર બની છે. તળાવમાં પાણી ભરાઈ ગયા છે અને કોતરમાં આવેલ પાણી ખેતરોમાં ભરાઈ જતાં ભારે નુકસાન થયું છે. આજરોજ સવાર ૬થીબપોર ર વાગ્યા સુધીમાં જિલ્લાના છ તાલુકામાં ક્વાંટ તાલુકામાં ૭ ઈંચ વરસાદ નોંધાયો છે. જેને લઈને ક્વાંટ તાલુકામાં આવેલ રામી ડેમ ત્રણ ઈંચ ઓવરફ્લો થયો છે. જેને લઈ રામી નદીના કાંઠાના ગામો એલર્ટ કરાયા હતા. છોટાઉદેપુર તાલુકામાં ૭ ઈંચ, પાવીજેતપુર તાલુકામાં ૭ ઈંચ, નસવાડી અને બોડેલી તાલુકામાં બે ઈંચ અને સંખેડા તાલુકામાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે બપોર બાદ વરસાદે વિરામ લેતા નીચાણવાળા વિસ્તારોના લોકોને હાશકારો થયો હતો. ક્વાંટ તાલુકામાં અતિ ભારે વરસાદને લઈ તાલુકામાંથી નીકળતી કરા નદી, ઉચ્છ નદી, અશ્વિન નદી, હેરણ નદી ગાડી તુર બની છે. જ્યારે નસવાડી તાલુકામાંથી પસાર થતી અશ્વિન નદીમાં પાણીનો પ્રવાહ વધતાં નદી ગાંડીતૂરદ થઈ હતી. સુકાપુરા, કુકાવટી સીન્ધીયા કૂવા જેવા ૧૦થી વધુ ગામો માર્ગ પર અશ્વિન નદીમાં કોઝવે બનાવેલ છે. આ કોઝવે પર પાણી આવતાં નસવાડી તાલુકાના ૧૦થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો છે. હવે નદીમાં પાણીનું સ્તર ઘટે ત્યારબાદ ફરી આ ગામો સંપર્કમાં આવે તેવી પરિસ્થિતિ ઊભી થયેલ છે.