(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૨૭
આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ.જયંતિ રવિએ જણાવ્યું હતું કે, નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે ટેકનોલોજીના માધ્યમ દ્વારા ત્વરિત સારવાર-ઉપચાર માટે નવતર અભિગમ દાખવીને સુરત ખાતે ક્વોરન્ટાઈનમાં રખાયેલા ટ્રાવેલર માટ સીએમસી કોવિડ-૧૯ ટ્રેકર મોબાઇલ એપ્લિકેશન કાર્યરત કરાઇ છે. આ પ્રોજેક્ટને સફળતા મળતા આગામી દિવસમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે પણ આ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવશે. ડૉ.રવિએ ઉમેર્યું કે, સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા શરૂ કરાયેલ આ એપ્લિકેશનમાં ક્વોરન્ટાઈનમાં રખાયેલા ટ્રાવેલર કે જેઓ પોતાના મોબાઈલમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને સેલ્ફી મૂકશે જેના કારણે તેઓ જ્યાં-જ્યાં ફરશે તેનું જીઆઇએસ મેપિંગના કારણે ટ્રેકિંગ કરી શકાશે જેથી તેઓ ક્વોરન્ટાઈનનો ચુસ્તપણે અમલ કરે. આ પ્રકારની વ્યક્તિને તાવ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ હોય તો તેઓ આ એપમાં એન્ટ્રી કરી શકશે. તેથી સુરત મહાનગરપાલિકાને સંદેશો મળતાં જ તેઓ સાથે ટેલિફોનિક સંપર્ક કરીને ત્વરિત સારવાર આપી શકાશે. તેમણે ઉમેર્યું કે, કોરોના વાયરસની સારવાર માટે ખાનગી ડોક્ટરો-પેરામેડિકલ સ્ટાફ સ્વૈચ્છિક રીતે સેવાઓ આપવા ઈચ્છતા હોય તેઓ આરોગ્ય વિભાગના ટિ્વટર હેન્ડલ પર અથવા ઇ-મેઇલથી જાણ કરી શકે છે. જે માટે ઇ-મેઇલ સેવા પણ ટૂંક સમયમાં કાર્યરત કરી દેવાશે જેની વિગતો આરોગ્ય વિભાગના ટિ્વટર હેન્ડલ પરથી મળી શકશે. તેમણે ઉમેર્યું કે, કોરોના વાયરસ સંદર્ભે ખાનગી તબીબો જે સારવાર આપી રહ્યા છે તેઓ પણ આરોગ્ય વિભાગની ડૉકટર ટેકો કોવિડ-૧૯ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં તમામ વિગતો અપડેટ કરવાની રહેશે. આ માટે ૧૫૦ તબીબોએ આ સેવાનો લાભ લેવાનો શરૂ પણ કરી દીધો છે. ડૉ.રવિએ ઉમેર્યું કે, કોરોનાની અપડેટ વિગતો માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ડેશબોર્ડ કાર્યરત કરાયું છે.
ક્વોરન્ટાઈન હેઠળના દર્દી માટે વિશેષ મોબાઈલ એપ્લિકેશન શરૂ

Recent Comments