(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૧૭
આણંદનાં વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સીટીનાં ૬૩માં પદવીદાન સમારોહમાં ચાર મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ ઝળકીને પાંચ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સીટીનાં પદવીદાન સમારોહમાં ચાર મુસ્લિમ વિદ્યાર્થીઓએ પાંચ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી આ મુસ્લિમ દિકરીઓએ સાબીત કરી આપ્યું છે કેે, જો તમે સખ્ત મહેનત કરી આગળ વધો તો તમને કોઈ આગળ વધતા રોકી શકશે નહી. ખંભાત શહેરમાં નગારચીવાડમાં રહેતી ફરહાનાબાનું મોંહમદરફીક મલેકે ખંભાતની કોલેજમાં અભ્યાસ કરી એકાઉન્ટીગ એન્ડ ઓડીટીંગમાં સૌથી વધુ ગુણ મેળવી સરદાર પટેલ યુનિવર્સીટીમાં બે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યા છે, ફરહાનાનાં પિતા મોંહમદ રફીક રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે આણંદ શહેરમાં રહેતી અને મૂળ બોરસદ તાલુકાનાં કાવિઠા ગામની સીમાબાનું ઈકબાલશા દિવાને બી.એસ.સી બોટની વિષયમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરીને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે, તેણીને રાજયનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે આ સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો. ઉમરેઠની અલ્ફીયા કુતુબુદ્દીન વહોરાએ એમ.એસ.સીમાં બાયો કેમીસ્ટ્રી વિષયમાં સૌથી વધુ ગુણ મેળવીને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે, તેણીને શિક્ષણ મંત્રીનાં હસ્તે સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. ઉપરાંત આણંદ શહેરમાં રહેતી શિક્ષક પિતાની દીકરી ઈલ્મા ઈદ્રીસભાઈ વ્હોરાએ હોમસાયન્સમાં બી.એસ.સીમાં ફેમીલી રીસોર્સ મેનેજમેન્ટમાં સૌથી વધુ ગુણ મેળવીને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે, તેણીને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે આ એવોર્ડ મળ્યો હતો, તેણી આ સફળતાથી હર્ષની લાગણી અનુભવતી હોવાનું જણાવ્યું હતું.