(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૬
આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં પંદર દિવસ અગાઉ ફાટી નીકળેલા કોમી તોફાનો સંદર્ભે ગઈકાલે ગુરૂવારે ૧૩ આરોપીઓ અને પચાસ માણસોના ટોળા વિરુદ્ધ રાયોટિંગ અને હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ વધુ એક ફરિયાદ નોંધાવા પામી છે.
ખંભાતના તોફાનો સંદર્ભે ગુરૂવારે રાત્રિના આઠ વાગ્યાના અરસામાં ખંભાત શહેર પોલીસે પોલીસ મથકમાં અકબરપુર મોટી ચુનારવાડા ખાતે રહેતા સંજયભાઈ પરસોતમભાઈ ચુનારાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તારીખ ૨૩/૨/૨૦૨૦ના રોજ બપોરના ત્રણ વાગ્યાના અરસામાં અકીલ અકબર મલેકની પત્ની, ૧૬ શખ્સો અને બીજા બીજા પચાસ માણસનું ટોળું (તમામ રહે. શક્કરપુર) ભેગા મળી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવાના હેતુથી જીવલેણ હથિયારો સાથે સજ્જ થઈ ગેરકાયદેસર મંડળી બની સંજયભાઈ પરસોતમભાઈ ચુનારા તેમજ તેઓની ફોઈનો દીકરો મહેશભાઈ ઈશ્વરભાઈ ચુનારા ચાલતા જતા હતા ત્યારે શક્કરપુર પંચાયત પાસે આ બંને ચુનારા છે તેમને પતાવી દો તેમ કહી હુમલો કરી ગુપ્તીથી મહેશભાઈને જીવલેણ ઈજાઓ પહોંચાડી હત્યા કરી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.આ બનાવ અંગે ખંભાત શહેર પોલીસે સંજયભાઈ પરસોતમભાઈ ચુનારાની ફરિયાદ લઇ અકીલ અકબર મલેકની પત્ની સહિત ૧૩ આરોપીઓ અને ૫૦ માણસોના ટોળા વિરૂદ્ધ રાઇટીંગ, હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.