(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૬
આણંદ જિલ્લાનાં ખંભાત શહેરમાં ડીજે વગાડવાના મામલે રવિવારે બે કોમ વચ્ચે થયેલા ધીંગાણા બાદ ત્રીજા દિવસે જનજીવન પૂર્વવત બન્યું હતું. દરમિયાન, બીજી તરફ પોલીસ દ્વારા રાઉન્ડ ધી ક્લોક સર્ચ ઓપરેશન હાથ ધરીને મંગળવારે વધુ બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ અગાઉ ઝડપાયેલા ૧૯ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ખંભાત શહેરના અકબરપુર વિસ્તારમાં ડીજે વગાડવાના મુદ્દે રવિવારે બપોરે બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ બનાવને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હાલમાં સમગ્ર શહેરમાં શાંતિ છે. રવિવારે રાત્રે બે યુવક અને એક પીએસઆઈ પર હુમલો થવાની ઘટના બાદ સોમવારે અને મંગળવારે શાંતિ રહી હતી. અત્યાર સુધી સમગ્ર બનાવમાં કુલ ત્રણ ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસ દ્વારા કુલ ૧૯ શખ્સની ધરપકડ કરાઈ હતી. મંગળવારે પોલીસે વધુ બે શખ્સ મોહમ્મદ તૌફિક શકીલમિયાં શેખ અને જમશેદખાન જોરાવરખાન પઠાણ (બંને રહે. ખંભાત)ની ધરપકડ કરી હતી. આવતીકાલે તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે. ત્યારે બીજી તરફ અગાઉ ઝડપાયેલા ૧૯ આરોપીઓને પોલીસે ખંભાત કોર્ટમાં રજૂ કરી સમગ્ર ઘટના પાછળ કોણ જવાબદાર છે અને અન્ય કેટલાં આરોપીઓ સંડોવાયેલા છે તે તમામ બાબતની પૂછપરછ માટે વધુ બે દિવસના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ હાથ ધરી છે.
ખંભાતના કોમી તોફાનમાં વધુ બેની ધરપકડ પકડાયેલ આરોપીઓને બે દિવસના રિમાન્ડ

Recent Comments