(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૩
તાજેતરમાં ખંભાતમાં થયેલા કોમી તોફાનોનો મુદ્દો આજે વિધાનસભામાં વિરોધ પક્ષ કોંગ્રેસે ઉઠાવ્યો હતો. છેલ્લા ૧૧ મહિનાથી ખંભાતમાં ત્રણ ત્રણ વાર થયેલા કોમી તોફાનોનો મુદ્દો ઉપસ્થિત કરતા કોંગ્રેસ તરફથી વારંવાર તોફાનો થવા પાછળ મૂળ કાવતરાખોર ગુનેગારોને ઝડપી કડક કામગીરી કરાતી ન હોવાનું કારણ આગળ ધરી તોફાનો ડામવા સરકાર સમક્ષ પગલાં લેવાની માંગણી કરાઈ હતી. આ સાથે તોફાનમાં અસરગ્રસ્તોને ઉત્તરપ્રદેશમાં જે રીતે મુખ્યમંત્રી યોગીએ તોફાન કરાવનારા પાસેથી જ નુકસાનની વસૂલાત કરાવી તે રીતે જ ખંભાતમાંથી વસૂલાત કરાવવા તેમજ મુખ્ય કાવતરખોરોને ઝડપવા અને ઝડપાયેલા આરોપીઓમાંથી ખંભાત બહારના કેટલા કોણ આરોપીઓ છે તે અંગેનો પ્રશ્નો કોંગ્રેસે ઉઠાવતાં ગૃહરાજયમંત્રીએ તેનો સ્પષ્ટ જવાબ આપવાને બદલે પ્રથમ તો રાજકીય અવલોકનો સાથે રાજકારણ રમવાનો પ્રયાસ કર્યો હતો. અંતે તેમણે તોફાનીઓ પાસેથી નુકસાનીની રકમ વસૂલી માટે મુખ્યમંત્રી દ્વારા જરૂરી ચકાસણી કરવા વહીવટી તંત્રને સૂચના અપાઈ હોવાનું જણાવ્યું હતું. વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ બાદ નિયમ ૧૧૬ મુજબ વિરોધ પક્ષ કોંગ્રેસે ખંભાતના કોમી તોફાનોનો મુદ્દો ગૃહમાં રજૂ કર્યો હતો. જેમાં રજૂઆતો ચર્ચા દરમ્યાન ભાજપ-કોંગ્રેસ બંને પક્ષે આક્ષેપબાજી સાથે રાજકારણ પણ રમાયું હતું. પ્રથમ તો કોંગી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રશ્ન ઉપસ્થિત કરતા જણાવ્યું હતું કે, ત્રણ માસ પહેલાના તોફાનમાં રિક્ષામાં બેસેલી એક વ્યકિતનું ગોળીબારમાં મોત પણ થયું હતું. આ તોફાનોના મૂળ આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી ના કરાતા આખરે ફરીથી તા.ર૩ ફેબ્રુઆરીએ ખંભાતમાં તોફાનો થયા તથા પથ્થરમારો, આગજની, માલ મિકલતને નુકસાન થવા પામ્યું અને ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે. તોફાની ગમે તે હોય તેને પકડી કડક કાર્યવાહી થવી જોઈએ. આ સાથે ઉત્તરપ્રદેશમાં જે રીતે મુખ્યમંત્રી યોગીએ તોફાની તત્વો પાસેથી જ નુકસાનીનું વળતર વસૂલવાનો નિર્ણય લીધો તે રીતે જ ખંભાતમાં પણ તોફાનીઓ પાસેથી વળતર વસૂલવા સરકાર દ્વારા નિર્ણય લેવાય. આ ઉપરાંત સરકાર પણ અસરગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરે તેવી માગણી તેમણે કરી હતી. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આ મુદ્દે જણાવ્યું હતું કે, દિલ્હીમાં તા.૧૯-૧-ર૦ના રોજ મુખ્યમંત્રી રૂપાણીને રાજયભરમાં શાંતિ પૂર્ણ માહોલ છે ત્યારે ખંભાત અને વડોદરામાં કેમ વારેઘડિયે તોફાનો થયા કરે છે તે અંગે અમે રજૂઆત કરી આ મુદ્દે તપાસ કરવા કહ્યું હતું. તે બાદ તા.૧૧-ર-એ ખંભાતમાં તોફાનો થવાની આશંકા સાથે સ્થાનિક કક્ષાએ પોલીસમાં રજૂઆત કરાઈ હતી. જો આને ધ્યાને લઈ યોગ્ય પગલાં લેવાયા હોત તો તા.ર૩/ર/એ ખંભાતમાં તોફાનો અને આટલી મોટી ખુવારી ના થાત.
લોકોને તોફાનોમાં કે લડવામાં કોઈ રસ નથી. આ બધા પાછળ રાજકીય જ માણસો હોય છે તો આવા મુખ્ય કાવતરાખોરોને જયાં સુધી પકડવામાં નહીં આવે ત્યાં સુધી તોફાનો અટકાવી શકાશે નહીં. સરકાર બે સમાજો વચ્ચે વૈમનસ્ય ફેલાવનારા સામે કડક પગલાં નહી લે તો હાઈકોર્ટમાં દાદા માગવી પડશે. વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદાએ ખંભાતમાં નિર્દોશોને જે નુકસાન થયું છે. તેમાં સરકાર વળતર આપે અને જે તોફાની પકડાયા છે તેમાં સ્થાનિક અને બહારના કેટલા છે. આ તોફાનો થયા તે પહેલા તોફાનો થવા અંગે સટ્ટો રમાતો હતો તેની પણ સરકાર તપાસ કરાવે.
દરમ્યાન મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોતાના જવાબમાં પોલીસ નિમણૂક, અશાંત ધારા વગેરે લીધેલા પગલાં જણાવ્યા બાદ ઉમેર્યું હતું કે, અકબરપુરા સહિત બે પોલીસ ચોકી શરૂ કરવા નિર્ણય લેવાયો છે. ત્રણ માસ પહેલાના બનાવમાં ગોળીબારમાં કોઈપણ વ્યકિતનું મોત થયું નથી. જયારે અમદાવાદમાં રાત્રે સૂત્રોચ્ચારો સાથે રેલીઓ નીકળી હોવાના ભાજપના ધારાસભ્યની રજૂઆતને સંદર્ભે મંત્રીએ કોંગ્રેસ તરફ ઈશારો કરતા જણાવ્યું કે કોટ વિસ્તારમાં જે સુત્રોચ્ચારો સાથે રેલી કાઢી ઉશ્કેરણી થાય છે તો આ રીતે તમારી આકાઓના ઈશારે તમે તોફાન કરાવવા માગો છો. તો તમારા આકાઓને કહી દેજો, આ નરેન્દ્ર મોદીનું ગુજરાત છે ફાવી શકશો નહીં ગુજરાતનો એક પણ ખુણે તોફાનનો પ્રયાસ કરાશે તો ગુજરાતની પોલીસ તેને ડામી શકવા સક્ષમ છે.