(સંવાદદાતા દ્વારા)
આણંદ,તા.૨૩
આણંદ જિલ્લાના ખંભાતમાં જાણે કોરોનાનો બોમ્બ ફૂટયો હોય તેમ દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસો પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે શહેરના ઝંડાચોક વિસ્તારમાં વધુ બે પુરુષોનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોનાગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવેલા પરિવારના સભ્યો તેમજ અન્ય શખ્સોને કોરોન્ટાઇન કરી સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આમ ખંભાત શહેરમાં હાલ અત્યારસુધી કુલ ૭૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લાનો કુલ કેસનો આંકડો ૯૩ પહોંચ્યો છે. ખંભાત શહેરમાં સ્થાનિક સંક્રમણથી કોરોનાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ખંભાત શહેરના ઝંડાચોક વિસ્તારમાં યુકો બેંકની સામે રહેતાં ૫૬ વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યાં બાદ તેમના પુત્ર (ઉં.વ ૩૨) અને તેમના પતિને પણ ક્વોરોન્ટાઈન કરી દઈને તેમના પણ સેમ્પલો લઈ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાં તેઓને પણ કોરોના પોઝિટિવ હોવાનો બહાર આવ્યું હતું. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૯૩ કેસ મળી આવ્યા છે. જેમાં ૭ જેટલા દર્દી સારવાર હેઠળ છે. આ ઉપરાંત કોરોના વાયરસના પગલે જિલ્લામાં ૯ વ્યક્તિનાં મોત નિપજ્યા છે. એક પછી એક કેસ બહાર આવી રહ્યા છે. જે ખૂબજ ટૂંકા ગાળામાં કોરોનાના કેસો વધીને ૭૬ થઇ ગયા છે.
ખંભાતમાં કોરોના પોઝિટિવના વધુ બે કેસ નોંધાયા : કુલ આંક ૭૬

Recent Comments