(સંવાદદાતા દ્વારા)
આણંદ, તાા. ૧૧
ખંભાત શહેરમાં અકબરપુર વિસ્તારમાં કટ્ટરવાદી તત્વો દ્વારા આતંક મચાવી મકાનોમાં લૂંટફાટ કરી સળગાવી દેવાની ધટના બાદ તોફાન પીડીત પરિવારોએ સાલવા સ્થિત રાહત કેમ્પમાં આસરો લીધો હતો.અને આ પરિવારો દ્વારા સુરક્ષા અને સલામતી વચ્ચે પુનઃવસન તેમજ વળતર માટે રજુઆતો કર્યા બાદ પોલીસ દ્વારા સુરક્ષા અને સલામતીની ખાત્રી મળ્યા બાદ આજે કેમ્પમાં રહેતા પીડીત પરિવારો પોતાનાં ઘરેે પરત ફર્યા હતા.
મળતી વિગતો અનુસાર ખંભાતનાં અકબરપુર વિસ્તારમાં ગત ૨૩મી ફેબ્રુઆરીનાં રોજ તોફાની કટ્ટરવાદી તત્વો દ્વારા લધુમતી સમાજનાં મકાનોમાં લુંટફાટ કરી તોડફોડ કરી મકાનો તેમજ વાહનોને સળગાવી દેવાતા ભય અને દહેસતનાં માર્યા તોફાન પીડીતોએ નજીકમાં આવેલા સાલવા વિસ્તારમાં આસરો લીધો હતો અને સ્થાનિક લોકો દ્વારા તેઓને કેમ્પમાં રહેવા જમવાની વ્યવસ્થા આપવામાં આવતી હતી,ધટનાનાં ૧૭ દિવસ બાદ કેમ્પમાં રહેલા પીડીત પરિવારોને પોલીસ દ્વારા આજે સુરક્ષા અને સલામતીની ખાત્રી અપાતા આ પીડીત પરિવારોએ આજે પોતાનાં ધરોમાં પરત ફરીને રહેવાનો પ્રારંભ કર્યો હતો.
અકબરપુરમાંથી ભય અને દહેસતને લઈને હિજરત કરી ગયેલા પીડીત પરિવારોનાં પુનઃવસન માટે આજે સ્થાનિક સામાજીક કાર્યકર જાનિશાર શેખ અને તોફાન પિડીતો રફીકભાઈ સુલતાનભાઈ મલેક,સાજેદાબાનું હનિફભાઈ શેખ,મહેબુબાબાનું સહિતએે મામલતદાર,નાયબ કલેકટર,નાયબ પોલીસ અધિક્ષક અને જિલ્લા પોલીસ અધિક્ષકનેે રજુઆત કરીને જણાવ્યું હતું કે ૨૦૦૨થી લઈને ૨૦૨૦ સુધીનાં સમયગાળા દરમિયાન બનેલા વિવિધ તોફાનોમાં કટ્ટરવાદી તત્વો દ્વારા મુસ્લિમ સમુદાયનાં જાનમાલને ભારે નુકશાન પહોંચાડવામાં આવ્યું છે.તેમજ ગત ૨૩મી ફેબ્રુઆરીનાં રોજ પર અસામાજીક કટ્ટરવાદી તત્વો દ્વારા અકબરપુર વિસ્તારમાં આયોજનબદ્ધ કાવતરું રચીને તોફાનો કરવામાં આવ્યા હતા.અને આસરે ૮૦ જેટલા મકાનો,દુકાનોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં લુંટફાટ કરી તોડફોડ કરીને સળગાવી દેવામાં આવ્યા હતા.અને ભયનું વાતાવરણ સર્જવામાં આવ્યું હતું,જેથી ભય અને અસુરક્ષિતતાને લઈને અકબરપુર વિસ્તારમાં થી તોફાન પિડીત અસરગ્રસ્તો જીવ બચાવવા નજીકનાં સાલવા વિસ્તારમાં દોડી ગયા હતા જયાં સ્થાનિક રહીસો દ્વારા દારુલ ઉલુમમાં કેમ્પ શરુ કરીને તોફાન અસરગ્રસ્તોને આસરો આપવામાં આવ્યો હતો.
તોફાન પીડીત અસરગ્રસ્તોએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ૧૭ દિવસથી રાહત કેમ્પમાં આશ્રય લઈ રહ્યા હોવા છતાં એક પણ સરકારી અધિકારી દ્વારા તેઓની મુલાકાત લેવામાં આવી નથી,તેે ખુબજ ગંભીર અને દુઃખની વાત છે.જેથી મામલતદાર,નાયબ પોલીસ અધિક્ષક,અને ખંભાત સીટી પી.આઈ દ્વારા તાત્કાલીક ધોરણે કેમ્પની મુલાકાત લઈને તેઓને સુરક્ષા અને સલામતીની બાહેંધરી આપવામાં આવે અને અકબરપુર વિસ્તારમાં આ પરિવારોનું તાત્કાલિક પુનઃવસન કરાવવામાં આવે.પુનઃવસન માટે તાત્કાલિક ધોરણે કેશડોલ અને પરિવારોને પુનઃ બેઠા કરવા માટે નુકશાની વળતર પેકેજ આપવામાં આવે,વિસ્તારમાં કાયમી શાંતી સ્થપાય તે માટે બન્ને સમુદાયનાં શાંતીપ્રિય યુવાઓ,મહિલાઓ અને આગેવાનોની સમિતી બનાવવામાં આવે,જેનાંથી નાની મોટી સમસ્યાઓ ઝધડાઓનું નિરાકરણ લાવી શકાય જેથી મોટી ગંભીર સમસ્યા સર્જાય નહી.
આ રજુઆત બાદ વહીવટી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ દ્વારા તોફાન અસરગ્રસ્તોને સુરક્ષા અને સલામતીની ખાત્રી અપાતા સાલવા કેમ્પમાં રહેતા તોફાન અસરગ્રસ્ત પરિવારો પોતાનાં ધરોમાં પરત ફર્યા હતા.૧૭ દિવસ બાદ આજે પોતાનાં ધરમાં પરત ફરેલા પરિવારોનું આજે પુનઃસ્થાપન થયું હતું.સાલવા ખાતે પોલીસ અધિકારીએ તમામ તોફાન અસરગ્રસ્તોને શાંતીપૂર્ણ માહોલમાં પોતાનાં ધરે પરત ફરવા અપીલ કરી હતી,તેમજ આ પ્રસંગે શહેર કાઝી મુદસ્સરઅલી સૈયદ અને સામાજીક કાર્યકર જાનિશાર શેખ સહિત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાા હતા.