(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૪
ખંભાત શહેરમાં દસ દિવસ પૂર્વે કટ્ટરવાદી તત્વોએ લઘુમતી વિસ્તારોમાં પૂર્વનિયોજીત હુમલાઓ કરી માલ મિલકતને નુકસાન પહોંચાડ્‌યા બાદ નવ નિયુક્ત એસપી અને અધિકારીઓના પ્રયાસોથી શાંતિ પ્રસરી રહી છે. ત્યારે જમીયતે ઉલેમાંએ હિન્દ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજનું એક સંયુક્ત પ્રતિનિધી મંડળએ ખંભાત ખાતે અસરગ્રસ્તોની મુલાકાત લઇ તેઓની રજૂઆતો સાંભળી હતી તેમજ દોષીતો સામે કડક કાર્યાવહી થાય પરંતુ કોઈ નિર્દોષ જે કોઈ પણ કોમનો હોય તેઓની ખોટી કનડગત ના થાય અને અસરગ્રસ્તોને અન્યાય ના થાય તે માટે રજુઆત કરી હતીજમીયતે ઉલેમાએ હિન્દ ગુજરાતનાં જનરલ સેક્રેટરી પ્રોફેસર નિસારઅહેમદ. જમીયતે ઉલેમાના આણંદ જિલ્લાના જનરલ સેક્રેટરી એમ જી. ગુજરાતી. મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના અધ્યક્ષ કરીમ મલેક, ઈદ્રિશભાઈ દવાવાળા, હાજી સિંકદર માસ્ટર સહિત અગ્રણીઓએ ખંભાત શહેરમાં કોમી તોફાન અસરગ્રસ્તોની તેમજ કેમ્પમાં આશ્રય લઈ રહેલા કોમી તોફાન પીડિતોની મુલાકાત લઈ તેઓની આપવીતી તેમજ રજૂઆત સાંભળી હતી. સુરતનાં અગ્રણી કદીરભાઈ પીરઝાદા અને પેટલાદના એમ એમ પઠાણ રાજાએ પણ ખંભાતનાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી, ત્યારબાદ પ્રતિનિધિ મંડળએ ડીવાયએસપી ભારતીબેન પંડ્‌યાની મુલાકાત લઈ તોફાન કેશમાં સંડોવાયેલા દોષીતો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેમજ શહેરની શાંતિ છિન્નભિન્ન કરનાર તત્વોની મૂળમાં તપાસ કરી શહેરમાં કાયમી શાંતિ સ્થપાય તેવા પ્રયાસો કરવા તેમજ કોઈ પણ નિર્દોષ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં ના આવે તેમજ અસરગ્રસ્તો પોતાના ઘરે પરત જઇ શાંતિ અને સલામતીનો અહેસાસ કરી શકે તેવી વ્યવસ્થા અને અસરગ્રસ્તોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ પેદા થાય તેવા પ્રયાસો કરવા રજુઆત કરી હતી.જે અંગે ડીવાયએસપી ભારતીબેન પંડયાએ શાંતી અને ભાઈચારાનાં માહોલની પુનઃસ્થાપના માટે પોલીસ કાર્યરત છે,અને ખંભાત શહેરમાં પ્રજા પુનઃ પોતાનું સામાન્ય જીવન જીવી શકે તે માટે પણ પ્રયાસો થઈ રહ્યા છે,તેમજ તોફાની તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી ભવિષ્યમાં ફરીવાર આવી ધટના ના બને તે માટે પણ પોલીસ દ્વારા બન્ને કોમનાં લોકોમાં વિશ્વાસ પેદા કરવા માટે કામ કરી રહી છે.