જામનગર, તા. ર
કોરોના વાઈરસનો કહેર હવે જામનગરમાં બેકાબૂ બની રહ્યો છે અને હવે અનલોક-ર માં કોરોના પણ વધુ અનલોક થયો હોય તેમ જણાઈ રહ્યું છે. આજે વધુ ૧૬ દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ મળ્યા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તો ગઈકાલે વધુ છ દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આમ, જામનગરમાં શહેર-જિલ્લામાં સંક્રમણને રોકવું હવે મુશ્કેલ બની રહ્યું હોય તેમ જણાય છે. છેલ્લા ર૪ કલાકમાં વધુ ૧૬ કેસો નોંધાયા છે. જેમાં ૧૪ કેસ જામનગર શહેરના છે. જામનગર જિલ્લામાં કુલ પોઝિટિવ આંક ર૩૧ નો થયો છે. કુલ ૬ દર્દીઓના મૃત્યુ થયા છે. ૧૦૦ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જ્યારે ૧રપ ને રજા આપવામાં આવી છે. દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના ભાટીયાા સ્થિત પી.આર.એસ. હાઈસ્કૂલના કર્મચારી અંકુરભાઈ પંડ્યાને તાવ આવતો હોવાથી વડોદરા ચાલ્યા ગયા હતાં. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો છે. આથી ભાટીયાની સ્કૂલમાં આનુસંગિક કામગીરી હાથ ધરવામાં આવી છે. ખંભાળિયા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને આ પંથકના આહીર અગ્રણી મેરામણભાઈ ગોરીયાને કોરોના હોવાનો પોઝિટિવ રિપોર્ટ સાંપડતા ખંભાળિયા સહિત દ્વારકા જિલ્લામાં ચિંતાની લાગણી પ્રસરી છે. ખંભાળિયા તાલુકાને કર્મભૂમિ ધરાવતા અને મૂળ કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામના વતની મેરામણભાઈ મારખીભાઈ ગોરીયા છેલ્લા ઘણા દાયકાઓથી સુરત ખાતે સ્થાયી થયા છે. મુખ્યત્વે અહીંના દેશી ઘી ઉપરાંત બાંધકામ ક્ષેત્રે ઊંચું નામ ધરાવતા અને અગ્રણી વેપારી તથા બિલ્ડર મેરામણભાઈ ગોરીયા ખંભાળિયા- ભાણવડ પંથકના કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે. હાલ સુરત ખાતે સ્થાયી થયેલા મેરામણભાઈ છેલ્લા દિવસોમાં તેમની ઓફિસે કેટલા કોરોના પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં આવી ગયા બાદ તેમને કોરોનાના લક્ષણો જણાતા સુરતની ખાનગી હોસ્પિટલ કિરણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના અંગેનો રિપોર્ટ કરાતા તેમને કોરોના હોવાનું જાહેર થયું હતું. આ રિપોર્ટ પછી મેરામણભાઈના ધર્મપત્ની તથા પુત્રો વિગેરેના પણ કોરોના અંગેના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જોકે તમામને પરિસ્થિતિ સંપૂર્ણપણે ભયમુક્ત છે.