(સંવાદદાતા દ્વારા) ખંભાળિયા, તા.૪
ખંભાળિયાના એક શિક્ષક સામે પોલીસની ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધાયા પછી મચેલા ઉહાપોહ દરમ્યાન વિપ્ર શિક્ષકની ફરિયાદ પરથી બે પોલીસકર્મી સામે મારકૂટનો ગુનો નોંધાયો છે. બંને પોલીસકર્મીની એસપીએ તાકીદની અસરથી બદલી કરી નાખી છે. ખંભાળિયાના ભાણવડ પાટીયા પાસેથી રાત્રિના સમયે પસાર થતા વડત્રા વાડી શાળાના શિક્ષક અશ્વિનભાઈ મોહનભાઈ જોશીને બે પોલીસકર્મીઓએ નામઠામ પૂછી ઠમઠોર્યા હતા. જેની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયેલા અશ્વિનભાઈને અન્ય પોલીસકર્મીઓએ પણ માર માર્યાની રજૂઆત પછી ગુરૂવારે એક પોલીસકર્મીએ અશ્વિનભાઈ સામે ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી. જેની સામે જિલ્લા પોલીસ વડા રોહન આંનદ સમક્ષ રજૂઆત કરાતા તેઓની સૂચનાથી પોલીસકર્મી નિલેશ સુકાભાઈ ગોજિયા તથા ભીમશી મુળુભાઈ ગોજિયા સામે મારકૂટ કરવા અંગે ગુનો નોંધાયો છે. ત્યાર પછી ગઈકાલે જિલ્લા પોલીસ વડાએ લોકરક્ષક દળના બંને કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી કરી તેઓને જગત મંદિરની સુરક્ષામાં મૂકી દીધા છે.