અમરેલી, તા.ર૪
અમરેલી ખાણ ખનિજના ઈન્સ્પેક્ટર તેમજ સુપરવાઈઝર શેત્રુંજી નદીમાં રેતી ચોરી કરી રહેલા શખ્સોને અટકાવતા બેફામ બનેલા ભૂ માફિયાએ લોડર માથે ચડાવી હત્યાનો પ્રયાસ કરતા અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી જિલ્લા ખાણ ખનિજના રોયલ્ટી ઈન્સ. આર.આર. જાદવ, સુપરવાઈઝર અંકિત પરમાર સહિતના કર્મીઓ ગઈકાલે સવારના ૬ઃ૩૦ કલાકે અમરેલી તાલુકાના તરવડા ગામ પાસે આવેલ શેત્રુંજી નદીના પટમાં ખનિજ ચોરીની રેડ પાડવા ગયેલ હતા. આ અરસામાં લોડર વડે ડમ્પરમાં રેતી ચોરી કરવામાં આવી રહેલ હતી. રેત ચોરી કરતા અટકાવતા મહાવીર કાળુભાઈવાળા નામના લોડર ચાલકે રોયલ્ટી ઈન્સ.ને. મારી નાખવાના ઈરાદે લોડર માથે ચડાવવાનો પ્રયાસ કરેલ હતો. મોટર સાયકલ ઉપર અન્ય બે શખ્સો જયરાજ કાળુભાઈ વાળા તેમજ રાજદીપ ભીખુભાઈ ધાધલ (બંને રહે. તરવડાવાળા) ધસી આવેલ હતા અને અધિકારીને બેફામ ગાળો દેવા લાગેલ હતા. લોખંડના સળિયા સાથે ધસી આવેલ શખ્સોએ મારી નાખવાની ધમકી આપી ડમ્પર અને બાઈક લઈ નાસી ગયેલ હતા.
ઘટના અંગે રોયલ્ટી ઈન્સ. રોહિતસિંહ જાદવે હત્યાનો પ્રયાસ, ફરજમાં રૂકાવટ, જાનથી મારી નાખવાની ધમકી તેમજ રૂા.પર,૮૧,૩૩૧ની ખનિજચોરી કર્યાની ફરિયાદ ત્રણેય શખ્સો વિરૂદ્ધ નોંધાવતા પી.એસ.આઈ. જે.વાય. પઠાણે તપાસ હાથ ધરેલ હતી.