(સંવાદદાતા દ્વારા) હિંમતનગર,તા.૩૦
સાબરકાંઠા જિલ્લાના ખેરોજ પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થતી સાબરમતી નદીના પટમાં છેલ્લા કેટલાય સમયથી કેટલાક ખનીજ માફિયાઓ ખાણખનીજ વિભાગની પરવા કર્યા વિના રેતીનું ખનન કરી પોતાની દાદાગીરી કરી રહ્યા છે ત્યારે ખેરોજ પોલીસ તથા જિલ્લાના અન્ય વિભાગો દ્વારા બુધવારે રાત્રે દરોડો પાડીને તપાસ કરતાં આ ખનીજ માફિયાઓએ પોતાના આકાઓની મહેરબાનીથી સાબરમતી નદીનો ત્રણ કિલોમીટરનો પટ ખોદી કાઢીને આ રેતી એક જગ્યાએ ખેતરમાં ઢગલા કરી દીધા હતા. જેને લઈને ખેરોજ પોલીસે અંદાજે રૂા.૯ કરોડ ૧પ લાખનો મુદ્દામાલ સીઝ કરીને આ ખનીજ માફિયાઓ સામે ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કર્યા બાદ તે અંગે સાબરકાંઠા જિલ્લાના ખાણખનીજ વિભાગને જાણ કરાઈ હતી. જેથી ન છૂટકે ખાણખનીજ વિભાગે તપાસ માટે ગુરૂવારે અધિકારીઓની ટીમ મોકલી છે. આ અંગે ખેરોજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.વી. જોટાણા તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એમ. ચૌહાણના જણાવાયા મુજબ બુધવારે ખેરોજ પોલીસનો સ્ટાફ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે તેમને એવી બાતમી મળી હતી કે અંબાઈગઢા તથા પંથાલ ગામની સીમમાંથી પસાર થતી સાબરમતી નદીના પટમાંથી કેટલાક ખનીજ માફિયાઓ ગેરકાયદે રેતીનું ખનન કરી વાહનોમાં ભરી લઈ જઈ રહ્યા છે ત્યારબાદ ખેરોજના પીઆઈએ આ અંગે વધુ પોલીસ સ્ટાફની માંગણી કરીને એલ.સી.બી. તથા પોલીસના અન્ય વિભાગના અધિકારીઓને સાથે રાખી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન પોલીસને અંબાઈગઢા ગામના સર્વે નં.૬પ૮ પૈકી ૧ વાળી રબારી કલ્યાણભાઈ ચેહરભાઈની માલિકીની જમીનની માલિકીની બે જગ્યાએ રેતીના મોટા ઢગલા કરાયેલા જણાયા હતા અને તેની નજીક બે હીટાચી મશીન તથા દશ હાઈવા ટ્રક મળી આવ્યા હતા. તે જ પ્રમાણે પંથાલ ગામની સીમના સર્વે નં.૧૩૧વાળી જમીનમાંથી રેતી ખનન કરવામાં ઉપયોગમાં લેેવાતું હિટાચી મશીન કબજે લેવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસે આ જગ્યાએ રેતીનો સંગ્રહ કરનાર અમૃતભાઈ સેંધાભાઈ દેસાઈ તથા ભરતભાઈ સેંધાભાઈ દેસાઈની પૂૂૂછપરછ કરાઈ હતી પરંતુ આ બંને જણાએ ખાણખનીજ વિભાગની કોઈ પાસ પરમીટ રજૂ ન કરતા પોલીસે આખરે અંદાજે રૂા.૯ કરોડ ૧પ લાખનો મુદ્દામાલં સીઝ કરીને પંચોની હાજરીમાં પંચનામું કર્યું હતું અને તે અંગે સાબરકાંઠા જિલ્લા ખાણખનીજ વિભાગને મોકલી અપાયું હતું. જે આધારે ખાણખનીજ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લામાં અનેક સ્થળે ગેરકાયદે ખનનની પ્રવૃત્તિ ધમધોકાર ચાલી રહી હોવા છતાં ખાણખનીજ વિભાગના અધિકારીઓ કેમ કોઈ કાર્યવાહી કરતા નથી. એ પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે.