(એજન્સી) નવી દિલ્હી, તા.૯
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો ફટાકડાં મુદ્દે એક મહત્ત્વપૂર્ણ આદેશ કર્યો છે. એનજીટીએ ફટાકડાં મુદ્દે દેશના તમામ રાજ્યો પર નિર્ણય છોડ્યો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, ૨૦૦થી વધુ એક્યુઆઈ હોય ત્યાં જે તે રાજ્ય નિર્ણય કરે કે દિવાળીમાં ફટાકડાં ફોડવા કે નહીં. પરંતુ દિલ્હી-એનસીઆરમાં ફટાકડાં પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કોવિડ વૃદ્ધિની સંભાવનાને જોતા ડ્રાઈવનો આદેશ પણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આપ્યો છે. વાયુ પ્રદૂષણ રોકવા ડ્રાઈવ યોજવાનો નિર્દેશ અપાયો છે.
દેશના એવા રાજ્યો અને શહેરોમાં જ્યાં વાયુની ગુણવત્તાની પરિપૂર્ણતા ખરાબની કેટેગરીમાં છે, ત્યાં ફટાકડાંના ઉપયોગ અને વેચાણ પરના પ્રતિબંધ અંગે એનજીટીનો આદેશ ૯ નવેમ્બરની મધ્યરાત્રીથી ૩૦ નવેમ્બરની મધ્યરાત્રી સુધી લાગુ રહેશે. શહેરોમાં જ્યાં આસપાસની હવાની ગુણવત્તા મધ્યમ છે, ત્યાં ફક્ત ગ્રીન ફટાકડા વેંચી શકાય છે. ફટાકડાં ફોડવા માટે માત્ર બે કલાકનો આદેશ આપવામાં આવ્યો છે. ગુરૂવારે એનજીટીના અધ્યક્ષ ન્યાયાધીશ આદર્શકુમાર ગોયલની ખંડપીઠે આ કેસમાં પોતાનો આદેશ આપતા પહેલાં સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સાથે ફટાકડાં ફોડનારા સંગઠનની સુનાવણી કરી હતી. ભારતીય ફાયરવર્ક મેન્યુફેક્ચર્સ એસોસિએશન વતી વરિષ્ઠ એડવોકેટ મહેશ જેઠમલાણીએ દલીલ કરી. અમિક્સ તરીકે વરિષ્ઠ એડવોકેટ રાજ પંજવાણીએ પણ કેન્દ્ર અને સીપીસીબીની દલીલો સાંભળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને ધ્યાને લઈ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મોટો નિર્ણય આપ્યો છે. એનજીટીએ સોમવારે પોતાના આદેશ આપતાં દિલ્હી-એનસીઆરમાં ૩૦ નવેમ્બર સુધી ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, બાકી રાજ્યોમાં જ્યાં એર ક્વોલિટી ખરાબ કે ખતરનાક સ્તર પર છે, ત્યાં ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ હશે.
Recent Comments