ભાવનગર, તા.રપ
કોરોનાની મહામારી સામે ટક્કર લેવા સમગ્ર ગુજરાતનું વહીવટીતંત્ર સજ્જ થયું છે. ત્યારે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા દરેક આવશ્યક વસ્તુઓના ખરીદી કેન્દ્રો પર લોકો વચ્ચે યોગ્ય અંતર જળવાય તે માટે માર્ક સર્કલ કરવાનું સૂચન કરવામાં આવ્યું. જેના પગલે પોલીસે આ નવતર અભિગમની ત્વરિત અમલવારી શરૂ કરી છે.
કોરોનાની બદી સામેની લડતના ભાગરૂપે ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન કરિયાણાની દુકાનો, મેડિકલ સ્ટોર્સ, દૂધ કેન્દ્રો, બેંક, એટીએમ સહિતની વિવિધ આવશ્યક સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. જાહેર જનતા આરોગ્ય સલામતી સાથે બધી જ આવશ્યક સેવાઓનો લાભ લઇ શકે તે માટે ભાવનગર જિલ્લા પોલીસે આવશ્યક સ્થળો બહાર માર્કિંગ સર્કલ બનાવવાનો નવતર અભિગમ હાથ ધર્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની સમસ્યાને વકરતી રોકવાનો એકમાત્ર સૌથી અસરકારક વિકલ્પ સોશિયલ ડિસ્ટન્સિંગનો છે. કોરોનાની સમસ્યાને વકરતી અટકાવવા માટે કરાયેલા લોકડાઉન દરમિયાન આવશ્યક સેવાના કોઇપણ સ્થળે માનવ સંપર્કથી કોરોનાનો ચેપ પ્રસરે નહીં તે માટે ભાવનગર જિલ્લા પોલીસે મહત્ત્વના સ્થળોએ સલામત અંતરે માર્ક સર્કલ બનાવવાની મુહિમ છેડીને જનતાની સુખાકારી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર પૂરવાર કરી છે.