અંકલેશ્વર, તા.૧૧
સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારી વચ્ચે હોમાઈ રહ્યો છે ત્યારે હાલની પરિસ્થિતિમાં કોવિડ-૧૯ હોસ્પિટલમાં બેડની પણ અછત વર્તાઇ રહી છે. આ વૈશ્વિક મહામારીને પહોંચી વળવા તથા સામાન્ય અને ગરીબ જનતા હોસ્પિટલના ખર્ચને પહોંચી શકતી ન હોય ત્યારે અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની વેલકેર હોસ્પિટલના ટ્રસ્ટીઓએ તથા અગ્રણીઓએ આ મોટી આફતને પહોંચી વળવા માટે વિચાર કર્યો, અત્રેની હોસ્પિટલના ટ્રસ્ટના પ્રમુખ શેખ મહમદ હનીફના અથાગ પ્રયાસોથી સરકારની મંજૂરી મળતા તા.૫/૮/૨૦૨૦થી ખરોડ ગામની વેલકેર હોસ્પિટલમાં ૮ વેન્ટિલેટર તેમજ ૫૦થી ૬૦ બેડની સુવિધા તથા સ્પેશિયલ ડોક્ટર્સ અને સ્ટાફ નર્સ સાથે શરૂ કરેલ છે . સંસ્થાના સેકેટરી તથા ખરોડના ડે. સરપંચ મહમદ ભૈયાત તથા સભ્ય મૌલાના ઇબ્રાહિમ, યુ.કે. કમિટીના સભ્યો હાફેજ સુલેમાન જોગીયાત તથા શબ્બીરભાઈ જોગીયાત વગેરેના સાથે અને સહકારથી આ કોવિડ-૧૯ સેન્ટર ખુબ જ નજીવી ફી સાથે શરૂ કરાઇ છે તેમજ બંને ટાઈમ વિનામુલ્યે જમવાનું ચા-નાસ્તો પણ આપવામાં આવે છે જેથી આજુબાજુના ગામડાઓ અને શહેરના દર્દીઓને પણ લાભ મળતો થયો છે.