અમરેલી, તા.૧૦
અમરેલી જિલ્લામાં દીપડાના આતંકથી જંગલખાતા દ્વારા રેસ્ક્યુ તેમજ ઠાર મારવા સહિતનું ઓપરેશન હાથ ધરાયું છે. ત્યારે ખાંભામાં ગઇરાત્રીના દીપડાએ રહેણાંક ઘરમાં ઘૂસી વાછરડાનું મારણ કર્યું હતું.જ્યારે જંગલખાતા દ્વારા બગસરા પંથકમાં દીપડાને પકડવા ઠેર- ઠેર પાંજરા મૂકેલ છે, તેમાં કાગદડી ગામેથી માદા દીપડો પાંજરે પુરાયો હતો.અમરેલી જિલ્લામાં દીપડાના ખોફથી હવે ગ્રામ્ય લોકો ફફડાટમાં જીવન ગુજારી રહ્યા છે. ખેતી કામ કરતા ખેડૂતો તેમજ ખેતીમાં કામ કરતા શ્રમિકો મજૂરી કામે ગયેલ લોકોમાં દીપડાના ભયથી ફફડાટ ફેલાયેલ છે. બગસરા પંથકમાં દીપડાના ખોફથી લોકો કામ પરથી સાંજે વહેલા ઘરે આવી જવાનું પસંદ કરેલ છે.દીપડાના આતંક બગસરાથી ખાંભા પહોંચેલ હતો. ખાંભામાં રહેતા ચંદુભાઈ રાઠોડ નામના શખ્સની ઘરની દીવાલ દીપડાએ કૂદી વાડામાં બાંધેલ પશુઓમાંથી વાછરડાનો શિકાર કરેલ હતો. વાછરડાનો શિકાર કરનાર દીપડાને પકડવા જંગલખાતા દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા હતા.જ્યારે બગસરાના કાગદડી ગામેથી જંગલખાતા દ્વારા મૂકેલ પાંજરામાં રાત્રીના બેથી ત્રણેક વાગ્યે દીપડી પાંજરે પૂરાઈ ગયેલ હતી. જંગલખાતાના અધિકારી દ્વારા જણાવ્યું હતું કે, મુંજિયાસર અને બગસરામાં ગામે બે શખ્સોને ફાડી ખાનાર નર દીપડો છે. પકડાયેલ દીપડી દ્વારા માનવીનો શિકાર કરેલ હોવાના કોઈ પુરાવા મળેલ નથી તેમ છતાં માનવભક્ષી છે કે, કેમ તે પકડાયેલ દીપડીની તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.