(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૧૬
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામના મુસ્લિમ પત્રકાર મોહસીન પઠાણ દ્વારા દારૂ અંગેના અહેવાલો વારંવાર છાપાઓમાં આપતા પોલીસની પોલ છતી કરતા જેની દાઝ રાખી ખાંભા પીએસઆઇ અને ડેડાણ આઉટ પોસ્ટ જમાદાર દ્વારા ડેડાણના જાગૃત પત્રકારને ખોટા કેસ કરી ફિટ કરી દેવાની હિલચાલ સામે ડેડાણના પત્રકાર મોહસીન પઠાણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને જો રજૂઆત ધ્યાને લેવામાં નહીં આવે તો આત્મવિલોપન કરવાની પણ ચીમકી આપતા ભારે ખળભળાટ મચેલ છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામે રહેતા મોહસીન મજીદખાન પઠાણ નામના જાગૃત પત્રકાર દ્વારા ડેડાણ ગામમાં રહેતા લોકોની સમસ્યાઓની વાચા અખબાર અને લોકલ ચેનલના મારફત દ્વારા ન્યુઝ આપતા હોઈ અને દારૂ જેવી બદી સામે ઝુંબેશ ઉપાડેલ હોઈ દારૂનો બેરોકટોક કારોબાર ચાલી રહયો હોઈ જે અંગેના અહેવાલો જુદા-જુદા અખબારોના માધ્યમથી અને સોશિયલ મીડિયા મારફતે ફેલાવતા ખાંભા પોલીસની પોલ છતી કરતા ખાંભા પીએસઆઇ અને ડેડાણ આઉટ પોસ્ટ જમાદાર દ્વારા ડેડાણ ગામે તા.૧૦/૩/૨૦૧૮ના રોજ એક જગ્યાએ રેડ કરી હતી અને એક વ્યક્તિને પકડેલ હતો. જે વ્યક્તિને કહ્યું કે, તું આ પત્રકારનું નામ આપી દે અને આ દારૂ તેનો છે તેવું કહી દે તેમ ડેડાણના જાગૃત નાગરિક અને પત્રકારને ખાંભા પીએસઆઇ અને ડેડાણ આઉટ પોસ્ટ જમાદાર દ્વારા ખોટા કેસ કરી ફિટ કરાવી દેવાની પેરવી કરી રહયા હોઈ જેથી તેમની સામે કાર્યવાહી કરી બદલી કરવાની ઉચ્ચ કક્ષાએ સૌગંદનામાં દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે ગૃહ પ્રધાન તેમજ ડીઆઈજી, રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા તેમાં જ વિરોધપક્ષના નેતા સહિતને સોગંદનામા દ્વારા રજૂઆત કરી છે અને આ ખાંભા પીએસઆઇ તેમજ ડેડાણ આઉટપોસ્ટ જમાદાર સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો પત્રકાર પઠાણે આત્મવિલોપન કરવાની પણ ચીમકી આપી છે.