(એજન્સી) તા.૧૫
ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારીના દરમાં થોડો ઘટાડો થવાથી છૂટક ફુગાવાનો દર ઓગસ્ટ મહિનામાં નજીવો ઘટીને ૬.૬૯ ટકા રહ્યો હતો. સોમવારે જાહેર થયેલા સત્તાવાર સરકારી આંકડા અનુસાર સતત પાંચમા મહિના માટે રિીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના મિડીયમ ટર્મ લક્ષ્યાંક કરતાં ઊંચો રહ્યો હતો. વિશ્લેષકોની રોઇટર પોલમાં ૬.૮૫ ટકાના અનુમાન અને જુલાઇમાં નોંધાયેલ ૬.૭૩ ટકાના છૂટક ફુગાવાના દર કરતાં ઓગસ્ટમાં છૂટક ફુગાવો નીચો નોંધાઇને ૬.૬૯ ટકા થયો હતો. મધ્ય માર્ચથી વિશ્વના સૌથી કઠોર લોકડાઉનને કારણે ખાદ્ય ચીજવસ્તુઓની સપ્લાય ચેઇન અવરોધાઇ હતી, પરંતુ ગયા મહિને ભારતમાં અર્થતંત્રના મોટા ભાગના ક્ષેત્રો અનલોક કરવામાં આવતાં સપ્લાય ચેઇનના કેટલાક અવરોધો દૂર થતાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવોમાં ઘટાડો થયો હતો જેના પગલે ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો પણ થોડો ઘટ્યો હતો. પરંતુ વિશ્લેષકોનું માનવું છે કે હજુ પણ સપ્લાય ચેઇનમાં કેટલાક અવરોધો ચાલુ છે જેના કારણે આ વર્ષે સારા ચોમાસાના પગલે કૃષિ ઉત્પાદન વધશે તો પણ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ ઊંચા રહેશે. જુલાઇમાં ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો ૯.૨૭ ટકા હતો જે ઘટીને ઓગટસ્ટમાં ૯.૦૫ ટકા થયો હતો. ભારતમાં કોરોના સંક્રમણમાં થઇ રહેલ સતત વધારાને કારણે હજુ પણ પુરવઠામાં અવરોધ ઊભો થવાનું જોખમ છે. આ સંદર્ભમાં ઓગસ્ટનો ફુગાવાનો દર આરબીઆઇને ઓક્ટો.માં મળનારી તેની આગામી પોલીસી બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો કરવા માટે ભાગ્યે જ કોઇ અવકાશ આપશે. એમ કે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીઝના રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે સતત પાંચમાં મહિને ફુગાવાના આંકડા આરબીઆઇના મીડિયમ ટર્મ ૬ ટકાના લક્ષ્યાંકથી ઊંચો રહ્યો છે. તેથી આરબીઆઇમાં વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે. ફુગાવાના દર પરથી એવો નિર્દેશ મળ્યો છે કે ઓગસ્ટ માટેનો ફોર ઇન્ફ્લેશન ૫.૭૭ ટકાથી ૫.૮૦ ટકાની રેંજમાં જોવા મળ્યો છે અને ત્રણ વિશ્લેષકોની ગણતરી અનુસાર જુલાઇની ૫.૮ ટકાથી ૫.૯ ટકાની રેંજ કરતાં થોડો ઓછો છે.