(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૫
કેન્દ્રીય વિજીલન્સ કમિશનને પાઠવેલા પત્રમાં સીપીએમના સાંસદ એલામરમ કરીમે આરોપ લગાવ્યો હતો કે, અદાણી જૂથને એરપોર્ટનું સંચાલન સોંપવાની પ્રક્રિયામાં સંપૂર્ણપણે સિવિલ એવિએશન કાયદાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સીવીસી દ્વારા આ પત્ર નાગરિક ઉડ્ડયન મંત્રાલયને મોકલી આપવામાં આવ્યો હતો. આ પત્રમાં જણાવાયું હતું કે, ૫૦ વર્ષ માટે અદાણી જૂથને દેશના છ વિમાન મથકોનું સંચાલન સોંપવું એ સંપૂર્ણરીતે એએઆઈ એકટના ઉલ્લંઘન સમાન છે. આ કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે કોઈપણ ખાનગી કંપનીને ૩૦ વર્ષથી વધુ સમય સુધી એરપોર્ટનું સંચાલન સોંપી શકાય નહીં. પત્રમાં જણાવાયું હતું કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ આ પ્રક્રિયા પૂરી કરવા બિનજરૂરી રીતે ઉતાવળ કરી હતી. મંત્રાલયે અદાણી જૂથનો હરાજીમાં વિજય તે માટે માર્ગ મોકળો કરી આપ્યો હતો. આ પ્રક્રિયામાંથી મોટી કંપનીઓને દૂર રાખવામાં આવી હતી. મંત્રાલય દ્વારા ખૂબ ઓછો સમય નિર્ધારિત કરી આમ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ એથોરિટી ઓફ ઈન્ડિયાએ અદાણી જૂથ દ્વારા નક્કી કરવામાં આવેલી કિંમતની સરખામણી વર્તમાન મુસાફર દીઠ ભાડાં સાથે કરી ન હતી. એરપોર્ટ લીઝ પર આપતાં પહેલા એએઆઈ દ્વારા આ યોજનાનો સાવચેતીપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો ન હતો. અદાણી જૂથને એરપોર્ટ સોંપતાં પહેલા ઓપરેશન અને મેનેજમેન્ટ કલમો પણ લાગુ કરવામાં આવી ન હતી. બોલી લગાવનાર પર આ જોગવાઈઓ લાગુ કરવી અનિવાર્ય છે. અદાણીને જે છ એરપોર્ટનું સંચાલન સોંપવામાં આવ્યું છે તે તમામ વિમાન મથકો દેશના મેટ્રો શહેરોમાં છે. તેમ છતાં મંત્રાલય દ્વારા આ મામલે યોગ્ય રીતે ફરજ નિભાવવામાં આવી નથી. આ આરોપોનો જવાબ મેળવવા અદાણી જૂથ સહિતના સંબંધિત વિભાગોનો સંપર્ક કરવામાં આવ્યો હતો પણ તેઓ પ્રતિક્રિયા આપવા ઉપલબ્ધ થઈ શકયા ન હતા.