(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૯
ભુસાવલ રેલવે સ્ટેશન ખાતે નવુ પ્લેટફોર્મ અને ત્રીજી લાઈન ઊભી કરવાની કામગીરી માટે સેન્ટ્રલ રેલવે દ્વારા મેગા બ્લોક જાહેર કર્યો છે. સુરત-અમરાવતી, સુરત-ભુસાવલ પેસેન્જર ૧૯મી સુધી રદ કરવામાં આવી છે અને લાંબા ગાળાની એક્સપ્રેસ ડાઈવર્ટ કરાઈ છે. જેના પગલે ખાનગી ટ્રાવેલ્સ દ્વારા મુસાફરો પાસે આડેધડ ભાડું વસૂલાત કરી રહ્યાં છે.
સુરત રેલવે વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સેન્ટ્રલ રેલવે દ્વારા ભુસાવલ રેલવે સ્ટેશન ખાતે ૧૪ દિવસનો મેગા બ્લોક જાહેર કર્યો છે. તે દરમિયાન સુરત-અમરાવતી સુરત-ભુસાવલ પેસેન્જરને રદ કરવામાં આવી છે. સુરત-છપરા, સુરત-ભાગલપુર, અમદાવાદ-પુરી, ગાંધીધામ-વિશાખાપટ્ટનમ જેવી લાંબા અંતરની એક્ષપ્રેસ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. રેલવે દ્વારા જાહેર કરેલ મેગા બ્લોકના લીધે તાપ્તી લાઈનના મુસાફરોને ભારે હાલાકીભોગવવાનો વારો આવ્યો છે. ખાનગી ટ્રાવેલ્સ દ્વારા આડેધડ ભાવ વસૂલવાની સાથે ઘેટા બકરાની જેમ બસમાં મુસાફરો ભરી રહ્યાં છે.
લીંબાયતના નીલગીરી વિસ્તારમાંથી તથા મીઠી ખાડી વિસ્તારમાંથી રોજ રાત્રે ઉપડતી ખાનગી લકઝરી બસોના ભાડા બમણા કરી દેવામાં આવ્યા છે. હાલના વેકેશન, લગ્નસરાની સીઝન દરમિયાન ટ્રાવેલ્સ સંચાલકો મુસાફરોની જરૂરિયાતનો ગેરલાભ ઉઠાવી રહ્યાં છે.
રેલવે તંત્ર દ્વારા પણ સુરત ભુસાવલ પેસેન્જરને રદ કરવાના બદલે સુરત- જલગાંવ વચ્ચે દોડાવી મુસાફરોને રાહત આપી શકાય તેમ છે. પરંતુ સુરતથી ભુસાવલ પેસેન્જર ૧૯મી સુધી રદ કરતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.