(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૭
ખાનગી સ્વનિર્ભર શાળા-કોલેજોમાં ફી નિયમન કાયદાનો અમલ કરવાની બહુ લાંબી ચાલેલી કવાયત બાદ હજુ સુધી કોઈને કોઈ રીતે તેમાં વિરોધ-વિવાદ જારી રહેવા પામેલ છે હવે ફી નિયમન મુદ્દે રચાયેલી સમિતિ એફ.આર.સી. દ્વારા દોઢસોથી વધુ શાળાઓની ફી જાહેર કરવામાં આવતા અને તેમાં રૂા.૮પ હજાર જેટલી કમરતોડ ફી જાહેર કરાતા વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. જયારે આ કોકડું ઉકેલવા કે વાલીઓને ઠારવાના બદલે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે તેમને વધુ ઉશ્કેરાટ થાય તેવું ચોંકાવનારૂ નિવેદન આપતા વાલીઓમાં નારાજગી વધવા પામી છે. તેમણે નિવેદનમાં ફી કેટલી છે તે નહીં પણ તેનું વ્યાજબીપણું જોવાની વાલીઓને સલાહ આપી છે.
રાજયમાં ખાનગી શાળા-કોલેજોની ફીને લઈને વાલી સ્કૂલ અને સરકાર વચ્ચેની લાંબી મડાગાંઠ ઉકેલાઈ નથી અને તેના કારણે હજી પણ શાળા અને વાલીઓ અવઢવમાં છે. ત્યારે એફઆરસીએ કેટલીક શાળાને વધારે ફી લેવાની પરવાનગી આપતા મામલો ગરમાયો છે તેમાં આજે રાજયના મુખ્યમંત્રીએ ચોંકાવનારૂ નિવેદન આપતા જાણે બળતામાં ઘી હોમાયું હોય તેવી સ્થિતિ ઉભી થવા પામી છે. રાજયના મુખ્યમંત્રીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે શાળાઓને ફી સ્લેબ ઉપર લેવાનો અધિકાર છે. પણ કેટલી તે એફઆરસી જ નક્કી કરશે. આ સાથે વિજય રૂપાણીએ જણાવ્યું છે કે કેટલી ફી છે એ મહત્વનું નથી. પણ તેનું વ્યાજબીપણું મહત્વનું છે. આમ આડકતરી રીતે જાણે તેઓએ જાહેર કરાયેલી ફીને વાજબી ઠેરવી દીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી વલસાડ જિલ્લાની આજે મુલાકાતે હતા. ત્યારે જિલ્લાના ચીખલા ગામની પ્રાથમિક શાળામાં ગુણોત્સવમાં હાજરી આપી હતી.સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોમાં ઉંચી ફી અને એફઆરસીના નિર્ણય બાદ અમદાવાદની કેટલીક સ્કૂલોની જાહેર થયેલી ઉંચી ફીના મામલે સી.એમ.નું ગોળગોળ અને આવું નિવેદન વાલીઓને વધુ નારાજ કરે તેમ ચોક્કસ મનાય છે.