(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૯
લોકડાઉનના લીધે હાલ શૈક્ષણિક સંસ્થાનો અને કાર્યરત કરવાની મંજૂરી મળી નથી. જો કે રાજ્યમાં અનેક ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફી ઉઘરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ મુદ્દાને અનુલક્ષીને હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવેલી છે. સુનાવણી બાદ હાઇકોર્ટે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે. હાઇકોર્ટ ટકોર કરી હતી કે ફી અંગે નિર્ણય લેવાની સરકાર પાસે સત્તા છે. રાજ્ય બધું કરી શકે છે. હાલના સમયમાં વાલીઓ પર વધુ ભારણ ન આવે તે જુઓ. આ અંગે રાજ્ય સરકારે ખાનગી સાથે ખાનગી શાળાઓ સાથે ચર્ચા કરીને યોગ્ય પગલા લેવા જોઈએ.
હાઇકોર્ટમાં અરજદારના વકીલ ની રજૂઆત હતી કે કોરોના ના લીધે હાલ શાળાઓ બંધ છે ત્યારે શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી માત્ર ટ્યુશન ફી વસુલ લેવી જોઈએ અને ઈતર પ્રવૃત્તિઓ માટેની જે ફી છે તે લેવી જોઈએ નહીં. આ અંગે રાજ્ય સરકારે જરૂરી નિર્દેશ બહાર પાડવા જોઈએ. હાલ રાજ્યમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપિડેમિક ડિઝીઝ એક્ટ અમલમાં છે. આ બંને કાયદાઓ હેઠળ રાજ્ય સરકાર કોઈ પણ નિર્ણય લઇ શકે છે. જે અંતર્ગત શાળાની ફી અંગે પણ સરકારે નિર્ણય લેવો જોઈએ. થોડા સમય પહેલાં દિલ્હીની સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે કે શાળાઓ માટે માત્ર ટ્યુશન ફી લઇ શકશે. બીજી તરફ રાજ્ય સરકાર ની રજૂઆત હતી કે આ ખાનગી શાળાઓનો મુદ્દો છે તે માટે કંઈ કરી શકે તેમ નથી.

ઓનલાઇન શિક્ષણ અંગે હાઇકોર્ટની ટકોર

સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે સરકારને ટકોર કરી હતી કે શાળાઓ દ્વારા ઓનલાઈન કેટલા કલાક ભણાવવામાં આવે છે ? ઓનલાઇન શિક્ષણ આપવા માટેની નીતિ શું છે ? જો એક ઘરમાં એક કરતાં વધારે બાળકો ભણતા હોય તો તેમને કઈ રીતે ભણાવશો ? શું દરેક માટે અલગ અલગ વ્યવસ્થા કરવી પડે છે ? લાંબો સમય સુધી ઓનલાઇન ભણાવવામાં આવશે તો બાળકોની આંખોને નુકસાન થશે.